Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતના આરોગ્ય વિભાગની ખામીઓ અંગે જ્યારે પણ કોઈ ટીકા ટિપ્પણીઓ થતી હોય છે ત્યારે, સરકાર વતી બોલતાં મહાનુભાવો જુદી જ વાતો કરી પોતાની ખામીઓ છૂપાવતા જોવા મળતાં હોય છે. પરંતુ હવે શાસન ખુદનો બચાવ કરી શકવાની સ્થિતિઓમાં રહ્યું નથી. કારણ કે, દિલ્હીમાં હેડ કવાર્ટર ધરાવતી કેન્દ્રીય ઓડિટ એજન્સી CAG ના ખુદના રિપોર્ટમાં કહેવાયું છે કે, ગુજરાતનું આરોગ્ય તંત્ર ‘બિમારી’ના ખાટલે પડ્યું છે.
‘કેગ’ના આ રિપોર્ટમાં કહેવાયું છે કે, ગુજરાતના જુદા જુદા આરોગ્ય સેવા કેન્દ્રોમાં માર્ચ, 2022ની સ્થિતિએ ડોકટરની 23 ટકા જગ્યાઓ, નર્સની 7 ટકા અને પેરામેડિકલ સ્ટાફની 23 ટકા અછત છે. આ રિપોર્ટ રાજ્યની વિધાનસભામાં રજૂ થયો છે.
સરકારની પ્રાથમિક જવાબદારીઓમાં જન આરોગ્યનો સમાવેશ થાય છે. આમ છતાં રાજ્યના આરોગ્ય ધામોમાં આટલી બધી જગ્યાઓ ખાલી છે, જે દેખાડે છે કે, સરકાર દ્વારા જન આરોગ્ય વિભાગની અવગણના થઈ છે, જેને કારણે લાખો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
રિપોર્ટ એમ પણ કહે છે કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની ફાળવણી અસમાન ધોરણે કરવામાં આવી. આ ઉપરાંત મેડિકલ કોલેજોમાં સ્પેશિયાલિસ્ટ ડોકટરોની જે મંજૂર થયેલી જગ્યાઓ છે, તે પૈકી 28 ટકા જગ્યાઓ ખાલી, જે મેડિકલ કોલેજ હોસ્પિટલ પણ ધરાવતી હોય તેવી હોસ્પિટલમાં ડોકટરોની 36 ટકા જગ્યાઓ ખાલી, જિલ્લા સ્તરની પેટા હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ ડોકટરોની 51 ટકા જગ્યાઓ ખાલી. જિલ્લા હોસ્પિટલોમાં પણ ડોક્ટરોની મંજૂર જગ્યાઓ સામે 18 ટકા ઓછી નિમણૂંક થઈ છે.
-હોસ્પિટલોની ખરી સ્થિતિઓના આ રહ્યા આંકડા….
4 હોસ્પિટલમાં શબઘર નહીં, 3 હોસ્પિટલમાં બાળકો માટે ઓપરેશન થિયેટર નહીં, 13 હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ પર્યાપ્ત સ્થિતિઓમાં નહીં, રાજ્યના 33 પૈકી 22 જિલ્લાઓમાં ડોક્ટરની અછત, 19 જિલ્લાઓમાં પેરામેડિકલ સ્ટાફની અછત, 4 જિલ્લા હોસ્પિટલમાં એક જ નોંધણી કાઉન્ટર, 9 જિલ્લાઓમાં મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં ICU, બ્લડ બેંક તથા ઓપરેશન થિયેટરની અછત (કેગના રિપોર્ટના આધારે)