Mysamachar.in:અમદાવાદ
હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે જેમાં થતા પ્રશ્ન જવાબોમાં કેટલાક રોચક તથ્યો સામે આવે છે, ગુજરાતને લઈને આવી જ એક રસપ્રદ માહિતી વીમાકવચને લઈને સંસદમાં સરકારે આપેલ જવાબમાં સામે આવી જેમાં સામે આવ્યું કે ગુજરાતની વસતી 7 કરોડથી વધુ છે તેની સામે માત્ર 11% એટલે કે 75.40 લાખ ગુજરાતીઓ પાસે જ વ્યક્તિગત આરોગ્ય વીમો છે.!
નેશનલ કમિશન ઑન પોપ્યુલેશનના પ્રોજેક્શન રિપોર્ટ મુજબ 2023માં ગુજરાતની અંદાજિત વસતી 7.15 કરોડ છે અને સિનિયર સિટિઝનની સંખ્યા અંદાજિત 75 લાખ જેટલી છે. દેશમાં સૌથી વધુ આરોગ્ય વીમાધારકોમાં ગુજરાત આઠમા ક્રમે છે. અંને આ આંકડાઓ મુજબ મહારાષ્ટ્ર 4.64 કરોડ વીમાધારકો સાથે ટોચ પર છે.
દેશમાં સૌથી વધુ કેરળમાં કુલ આરોગ્ય વીમાધારકોમાંથી 8.25% સિનિયર સિટિઝન છે જ્યારે મહારાષ્ટ્રમાં 8.06% વૃદ્ધ આરોગ્ય વીમાધારકો છે. સંસદમાં સરકારે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)ના રજૂ કરેલા આંકડાઓ મુજબ દેશમાં હિમાચલપ્રદેશ, કર્ણાટક, દિલ્હી અને પ.બંગાળમાં કુલ આરોગ્ય વીમાધારકોમાં 7% થી વધુ સિનિયર સિટિઝનનો સમાવેશ થાય છે. દેશમાં માત્ર 11 આરોગ્ય વીમા કંપનીઓ જ સિનિયર સિટિઝન માટે વિશેષ આરોગ્ય કવચ પૂરું પાડે છે.