Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં ન્યાયતંત્ર પર બહુ બોજ છે, અદાલતોની સંખ્યા વધતી જતી વસતિના પ્રમાણમાં વધારવામાં આવતી નથી, સંખ્યાબંધ ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફની ભરતીઓ પૂરતાં પ્રમાણમાં થતી નથી, ફાલતૂ કેસો સહિતના લાખો કેસ પડતર રહે છે અને આ બધાં કારણોસર લાખો પક્ષકારો અદાલતોના ચક્કર કાપવામાંથી નવરા પડતાં નથી. આટલી ગંભીર બાબત છતાં રાજ્યકક્ષાએ તેની પર્યાપ્ત ચિંતાઓ થતી નથી. મોબાઈલ અદાલત અને અમુક પરચૂરણ કેસો સંબંધિત પોલીસમથકે સૂલટાવી નાંખવાની નવી વ્યવસ્થાઓ અંગે કોઈ કશું વિચારતું ન હોય તેવી સ્થિતિઓ જોવા મળી રહી છે.
-રેકર્ડ પરના આંકડા:
ગુજરાતની જિલ્લા અદાલતો અને નીચલી અદાલતોમાં 15.61 લાખ કેસ પડતર હોવાનું રાજ્યસભામાં કેન્દ્ર સરકારે જણાવ્યું. 15 નવેમ્બરની સ્થિતિએ રાજ્યમાં 3.5 લાખ સિવિલ કેસ, 12.11 લાખ ક્રિમિનલ કેસ પડતર છે. આ ઉપરાંત ફેમિલી કોર્ટમાં 30 સપ્ટેમ્બરની સ્થિતિએ 50,168 કેસ પડતર છે.
-આ આંકડા પણ જાણો:
21 નવેમ્બરની સ્થિતિએ રાજ્યમાં જિલ્લા અદાલતો અને નીચલી અદાલતોમાં ન્યાયાધીશોની 535 જગ્યાઓ ખાલી છે. જો કે પાછલાં 2 વર્ષ દરમિયાન હજારો કેસોનો નિકાલ પણ થયો છે. પડતર કેસોનું પ્રમાણ ઘટાડી શકાયું છે. પરંતુ આ દિશામાં ગતિ પૂરતી ઝડપી નથી. પાછલાં 3 વર્ષમાં રાજ્યમાં 50 ફેમિલી કોર્ટમાં નવા કેસ નોંધાવામાં ઉછાળો આવ્યો છે. અને, પડતર કેસની સંખ્યા 34,761થી વધી 50,128 થઈ ગઈ છે.