Mysamchar.in:અમદાવાદ:
આવકવેરો ભરવામાંથી બચી જવા માટે ઘણાં કરદાતાઓ ચેક અથવા RTGS મારફતે નવાસવા તથા ઓછાં જાણીતાં રાજકીય પક્ષોને ફાળો આપી, બાદમાં તેઓ પાસેથી અમુક રોકડ રકમ પરત લઈ, વચ્ચે કમિશનની લેતીદેતીઓ કરી લેતાં હોય છે. આ પ્રકારના ‘કરચોર’ આવકવેરાતંત્રની ઝપટે ચડી ગયા છે. રાજ્યમાં અંદાજે 30,000 આવા ખેલાડીઓને નોટિસ મોકલવામાં આવી છે. અને, જવાબો માંગવામાં આવ્યા છે.
જે લોકોને આવી નોટિસ મળી છે તેમાં ઘણાં બધાં તબીબો, સરકારી અધિકારીઓ, કંપનીઓના CEOs અને ઘણી કંપનીઓના ડાયરેક્ટરોનો સમાવેશ થતો હોવાનું બહાર આવ્યું છે. આવા 23 બોગસ રાજકીય પક્ષોને આ હાઈ પ્રોફાઇલ લોકોએ દાન આપ્યું અને ટેક્સ બચાવી લઈ રોકડી કરી લીધી હોવાનું જાણમાં આવતાં તંત્રએ નોટિસો મોકલી છે. આ પ્રકારના કેસ રિ ઓપન થશે. આ લોકોએ ટેક્સ ભરવો પડશે, વ્યાજ ચૂકવવું પડશે અને દંડ પણ ભરવો પડશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ટ્રસ્ટનાં ધંધા માફક આ બોગસ રાજકીય પક્ષોનો આ બિઝનેસ દેશભરમાં દાયકાઓથી ધમધમે છે. ઘણી ધાર્મિક સંસ્થાઓ પણ આવા ધંધા કરતી હોય છે, કરમુક્ત ચીજોનો ખાસ કરીને ખેત ઉત્પાદનોનો બિઝનેસ કરતી કેટલીક પેઢીઓ અને ઉદ્યોગની ઘણી પેઢીઓ પણ આવી જુદીજુદી મોડસ ઓપરેન્ડીથી કરોડો રૂપિયાના કરની ચોરીઓ કરતી હોય છે, આ કાળું નાણું ઘણાં વ્યવહાર સાચવી લેતું હોય છે પરંતુ કમનસીબી એ પણ હોય છે કે, આવકવેરાતંત્ર આવી બાબતોમાં કોઈક કેસમાં જ ઉંડુ ઉતરતું હોય છે. આ 30,000 નોટિસમાં હવે શું થશે ? એ અંગે પણ જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ છે.
સામાન્ય રીતે મોટો વાર્ષિક પગાર ધરાવતાં લોકો આ પ્રકારના રેકેટમાં સંડોવાયેલા હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્યમાં કેટલાંક બોગસ રાજકીય પક્ષો પર દરોડા પણ પડ્યા હતાં. જો કે દરોડા બાદની બહુ વિગતો બહાર આવતી હોતી નથી. આવકવેરાતંત્રની ગતિવિધિઓ અંગે પણ જાણકારીઓ ધરાવતાં લોકોના અભિપ્રાય સારાં નથી હોતાં. હાલના નોટિસ પ્રકરણમાં આગામી દિવસોમાં કોઈ નવાજૂની થાય છે કે કેમ ? તે જોવું રસપ્રદ બનશે એમ જાણકારો માને છે.