Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકાર આગામી બજેટ સત્રની તૈયારીઓમાં વ્યસ્ત છે. સંભવ એવો છે કે, આ બજેટ સત્ર 1 ફેબ્રુઆરીએ શરૂ થશે અને સત્રના બીજે જ દિવસે નાણાંમંત્રી રાજયનું વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરશે. સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે. સામાન્ય રીતે રાજયની વિધાનસભામાં બજેટનું સત્ર ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ અને માર્ચના અંતિમ સપ્તાહ વચ્ચે યોજાતું હોય છે. પરંતુ આગામી વર્ષે લોકસભા ચૂંટણીઓ યોજાવાની છે અને અગાઉથી તેની આચારસંહિતા લાગુ પડશે તેથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 ફેબ્રુઆરીએ શરૂ થઈ જશે અને 7 માર્ચના રોજ પૂર્ણ થશે. કારણ કે, માર્ચના અંતમાં અથવા એપ્રિલના પ્રારંભમાં લોકસભા ચૂંટણીઓ જાહેર થવાની સંભાવનાઓ છે.
જો કે આ વિધાનસભા સત્ર માટે રાજ્યપાલ હજુ હવે આહવાન કરશે પરંતુ સૂત્ર કહે છે: આ બજેટ સત્ર 36 દિવસનું નક્કી થશે જેમાં શનિ-રવિની દસ રજાઓ આવતાં બજેટના કામકાજના દિવસો 26 રહેશે. 1 ફેબ્રુઆરીએ બપોરે 12 ના ટકોરે સત્રનો પ્રારંભ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલનું સંબોધન અને દિવંગત ધારાસભ્યો-મંત્રીઓને શ્રધ્ધાંજલિ અર્પિત કરતાં શોક પ્રસ્તાવો રજૂ થશે.
બીજી ફેબ્રુઆરીએ સવારે શુક્રવારે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આશરે રૂ. 3,60,000 કરોડના કદનું વર્ષ 2024-25 માટેનું રાજયનું અંદાજપત્ર રજૂ કરશે. બજેટ પછીના સમયમાં તરત જ લોકસભાની ચૂંટણીઓ જાહેર થનાર હોય, ગુજરાત સરકાર લોકહિતની નવી નવી યોજનાઓની જાહેરાત કરશે અને મહિલાઓ, યુવાઓ અને ખેડૂતો ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિ તેમજ OBC વર્ગમાં લોકપ્રિય બને તેવી જાહેરાતો પણ આ બજેટમાં થઈ શકે છે.
સામાન્ય રીતે લોકસભા ચૂંટણીઓના વર્ષમાં રાજ્ય સરકારો વિધાનસભામાં 4 માસ માટે લેખાનુદાન રજૂ કરતી હોય છે, પરંતુ આ વખતે ગુજરાતમાં ચૂંટણીઓની આચારસંહિતા અમલમાં આવે તે અગાઉ જ સંપૂર્ણ વર્ષ માટેનું બજેટ જાહેર થઈ જાય, તે પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યું હોવાનું આધારભૂત સૂત્ર જણાવે છે.