mysamachar.in-દેવભૂમિદ્વારકા
સલાયા આમ તો આ નામ સાંભળતા જ દાણચોરી યાદ આવી જાય…એક જમાનો સલાયાનો દાણચોરી માટે ખુબ જ કુખ્યાત હતો અને હવે એજ દિશામાં ફરી સલાયાનો જમાનો આવી રહ્યો તેમ લાગી રહ્યો છે,થોડા દિવસો પૂર્વે જ દ્વારકા એસઓજી ટીમ દ્વારા દાણચોરીના ઈરાની કેશરના જથ્થા સાથે એક ની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે સલાયામાં થી સમગ્ર રાજ્યને હચમચાવી દે તેવું નશાનું નેટવર્ક ઝડપાયું છે…
ગુજરાત એટીએસ ની ટીમ ને ચોક્કસ બાતમી મળી હતી કે સલાયામાં રહેતા અજીઝ ભગાડ નામના શખ્સ પાસે મોટીમાત્રામાં હેરોઈન ડ્રગ્સ નો જથ્થો છે,જે માહિતી પરથી એટીએસ ની ટીમ દ્વારા આ શખ્સ પર વોચ ગોઠવવામાં આવી હતી અને અંતે આજે ગુજરાત એટીએસ ને અજીઝ ભગાડ ને આ ડ્રગ્સ ના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે,જયારે આ રેકેટ મા સંડોવાયેલ અન્ય એક શખ્સને માંડવી થી ઝડપી પાડવામાં આવ્યો છે,
દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયાના અજીઝ ને ગુજરાત એટીએસ ટીમે ૫ કિલોગ્રામ હેરીઇન ડ્રગ્સ ના જથ્થા સાથે ઝડપી પાડી તેની આકરી પૂછપરછ કરતાં કેટલાય ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે,જેમાં આ ડ્રગ્સ નો જથ્થો દરીયાઈ માર્ગે ઘુસાડવામાં આવ્યો હોવાની સાથે જ ચાર માસ પૂર્વ પાકિસ્તાન થી માંડવી અને કચ્છ સુધી જે ૧૦૦ કિલો જેટલું હેરોઈન ડ્રગ્સ ઉતારવામાં આવ્યું હતું,તેમાનો ઝડપાયેલ ડ્રગ્સ નો હિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે,પૂછપરછ મા એવું પણ સામે આવી રહ્યું છે કે માંડવી ના બે શખ્સોની પણ આ ડ્રગ્સ રેકેટમાં સંડોવણી હોય તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ રહી છે,
ઝડપાયેલ શખ્સે એટીએસ ની પાસે પોપટ બની જઈ ને વધુમાં એમ પણ કહ્યું છે કે ઝડપાયા સિવાયનું બાકી નું ડ્રગ્સ ઉતરભારત ના અન્ય રાજ્યોમાં વેચાણ કરવા માટે મોકલી દેવામાં આવ્યું હોવાનું પણ ખુલ્યું છે,હેરોઈન ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા માટે માછલીઓ પકડવાની ટ્રોલરનો ઉપયોગ કરીને લાવવામાં આવતો હતો,
આજે સલાયામાં થી ઝડપાયેલ પાંચ કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કીમત ૧૫ કરોડ જેટલી થવા જાય છે,ઝડપાયેલ શખ્સોની એટીએસ ઉપરાંત પણ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા આકરી પૂછપરછ કરી અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.પણ હાલ તો આટલી મોટી માત્રામાં ડ્રગ્સ નો જથ્થો ઝડપાઈ જતા ગુજરાત એટીએસને ખુબ મોટી સફળતા મળી છે.