Mysamachar.in-ગુજરાત:
GST માં અબજો રૂપિયાની ચોરી થઈ રહી છે, સરકારની તિજોરીમાંથી ટેક્સ ક્રેડિટના નામે નાણાં ગુપચાવી લેવામાં આવે છે- વગેરે કારણોસર અધિકારીઓ ધરપકડો પણ કરી રહ્યા છે. પરંતુ આ પ્રોસેસમાં કેટલાંક અધિકારીઓ ‘પોલીસ’ સ્ટાઈલ ચલાવતા હતાં, કેટલીક ધરપકડ આડેધડ પણ થતી હતી, હવે આ સિલસિલો અટકશે. અધિકારીઓએ આવા કેસોમાં અદાલતોમાં ચોખ્ખા હાથે આવવું પડશે.
સુપ્રિમ કોર્ટ સમક્ષ અધિકારીઓની મનમાનીઓ બાબતે ધા નાંખવામાં આવી હતી. કેટલાંક કેસોના અભ્યાસના આધારે, આ બાબતે સુપ્રિમ કોર્ટે નવી માર્ગદર્શિકા જાહેર કરી. હવે અધિકારીઓએ આવી ધરપકડ કરતાં અગાઉ પૂરતું હોમવર્ક કરવું પડશે અને રેકર્ડ પર ચોક્કસ બાબતો જણાવવી પડશે.
આવી કોઈ પણ ધરપકડ માટે હવે નવી માર્ગદર્શિકા અનુસાર, અધિકારીઓએ ગ્રાઉન્ડ ઓફ એરેસ્ટ જણાવવું પડશે અને ધરપકડ શા માટે કરવામાં આવી રહી છે, તેની વિસ્તૃત વિગતો લેખિતમાં તૈયાર કરવી પડશે. આથી આડેધડ ધરપકડ પર રોક લાગશે અને અધિકારીઓની મનમાની પર પણ બ્રેક લાગી શકશે.
અત્યાર સુધી માત્ર એરેસ્ટ મેમો આપવામાં આવતો. હવે સંપૂર્ણ વિગતો સાથેનું એનેક્ષર અલગથી આ મેમો સાથે તૈયાર કરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી અધિકારીઓ ધરપકડ કરતી વખતે કાયદાની જોગવાઈ મુજબ માત્ર એટલું જ રેકર્ડ પર લેતાં કે, સેકશન 131 અથવા 132 મુજબ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓની આ મનમાની સામે સુપ્રિમ કોર્ટે કડક વલણ અખત્યાર કરતાં હવે સાચા ધંધાર્થીઓની હાલાકીઓ ઘટશે.(file image)