Mysamachar.in-અમદાવાદ:
મોરબી અને સમગ્ર સૌરાષ્ટ્ર સહિત આખાં રાજ્યમાં હાહાકાર મચાવી દેનાર, મોરબી પુલ દુર્ઘટનામાં બધાં જ જવાબદારો છતાં પડી ગયા છે. આ ગોઝારી ઘટનાનું મુખ્ય કારણ ઘોર બેદરકારી જાહેર થયું છે. કાલે સોમવારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં સુનાવણી દરમિયાન ખૂબ જ ગંભીર અવલોકનો કર્યા છે અને સંપૂર્ણ તપાસ રાજ્યની વડી અદાલતને સોંપવામાં આવી છે. ગત્ ત્રીસમી ઓક્ટોબરે મોરબીમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનાનાં હીબકાં આજે પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સંભળાઈ રહ્યા છે ! કાલે સોમવારે આ મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી હતી, જે દરમિયાન સૌની નિષ્કાળજી બહાર આવી છે ! આ બેદરકારી 135 જિંદગીઓને ભરખી ગઈ !!
મોરબી દુર્ઘટનાનો FSL રિપોર્ટ જાહેર થયો છે. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, બ્રિટિશ શાસન વખતનાં આ પુલનું રિનોવેશન યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું ! આ કામગીરી કંપનીએ ખૂબ જ કઢંગી રીતે કરી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે ! જેને કારણે આ ગોઝારી ઘટના બની ! બનાવનાં દિવસે પુલ પર ખૂબ ભીડ હતી. ભીડ ન સર્જાય તે માટે કોઈ જ તકેદારી રાખવામાં આવી ન હતી !
આ બનાવનાં આઠ આરોપીઓએ કાલે સોમવારે મોરબીની સ્થાનિક અદાલતમાં જામીન અરજી રજૂ કરી હતી. જેની સુનાવણી આગામી 23 મીએ એટલે કે આવતીકાલે બુધવારે થશે. કાલે આ અદાલતમાં ઉપરોક્ત FSL રિપોર્ટ પણ રજૂ થયો. રિપોર્ટ અનુસાર, સિક્યોરિટી ગાર્ડ તરીકે મજૂરોને મૂકવામાં આવ્યા હતાં. પુલ પર ભીડ કેમ ટાળવી તે અંગેની કોઈ જ તાલીમ તેઓ ધરાવતા ન હતાં. જે જગ્યાએથી પુલ તૂટ્યો ત્યાં બોલ્ટ સડેલાં અને ધૂળવાળા હતાં. પ્લેટફોર્મ અને બ્રિજને એકમેક સાથે જોડતી સાંકળો ઢીલી હતી. અમુક બોલ્ટ તો ત્રણ ત્રણ ઈંચ ખૂલ્લાં (લૂઝ) હતાં ! જે દિવસે આ ગોઝારી ઘટના બની તે દિવસે 3,165 ટિકિટ ઇસ્યુ કરવામાં આવી હતી ! બેફામ ભીડ અને ભંગાર રિનોવેશન તથા ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ જ વ્યવસ્થા નહીં ! આ બ્રિજ વધુમાં વધુ કેટલાં લોકોનું વજન ખમી શકે ?! એ કેપેસિટી જાણવાની કાળજી ઓરેવા કંપનીએ ( કોન્ટ્રાકટર એજન્સી) ક્યારેય લીધી નહીં ! સુપ્રિમ કોર્ટે ગંભીર રીતે આ સમગ્ર ઘટનાની તપાસ પર, સ્વતંત્ર વોચ રાખવા ગુજરાતની વડી અદાલતને સૂચના આપી છે.