Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકારમાં આગામી સમયમાં અધિકારીઓની જગ્યાઓ સમય પહેલાં ખાલી થાય એવું બની શકે છે કેમ કે ફરજિયાત અને વહેલી નિવૃતિ માટેના માપદંડમાં સરકારે કેટલાંક ફેરફારો જાહેર કર્યા છે. ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ પ્રમાણે, સરકાર પોતાના કર્મચારી કે અધિકારીને અકાળે એટલે કે નિયત નિવૃતિ વય પહેલાં, 50 કે 55 વર્ષે પણ નિવૃત કરી શકે છે. સરકારને આ પ્રકારની સતા મળેલી છે. તેમાં અગાઉની સૂચના રદ્દ કરવામાં આવી છે અને નવા નિયમો તથા માપદંડ જારી કરવામાં આવ્યા છે.સરકારે જાહેર કર્યું છે કે, પ્રત્યેક કેસમાં યોગ્ય તથ્યો અને સંજોગો ધ્યાનમાં લેવામાં આવશે. અને સરકારી કર્મચારી કે પ્રથમ અથવા બીજા વર્ગના અધિકારીને અકાળે નિવૃત જાહેર કરવા જાહેર હિતમાં છે કે કેમ ? તે પ્રશ્નનો ઉત્તર રેકર્ડ પરની હકીકતોમાંથી મેળવવામાં આવશે.
દરેક સરકારી વિભાગ કે સંવર્ગના વરિષ્ઠ અધિકારીના માર્ગદર્શન મુજબ, એક રજિસ્ટર તૈયાર કરવામાં આવશે. જેમાં તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની પ્રિ મેચ્યોર નિવૃતિ અંગે તપાસ તથા સમીક્ષા દર્શાવવામાં આવશે. બિનઅસરકારક જણાશે તેવા કર્મચારીઓને પણ નિવૃત કરવામાં આવશે. જો કે, નિર્ણય લેતાં પહેલાં આ માટેની સમિતિ તે કર્મચારીનો સંપૂર્ણ સેવા રેકોર્ડ ધ્યાનમાં લેશે.
			
                                

                                
                                



							
                