Mysamachar.in-અમદાવાદ:
મોબાઈલ, લેપટોપ અને મેકબુકનો ઉપયોગ કરતાં લાખો-કરોડો લોકો ગૂગલ ક્રોમનો પણ ઉપયોગ કરતાં હોય છે પરંતુ આ કરોડો વપરાશકારો માટે માઠાં સમાચાર છે. ખુદ સરકારે આ અંગે ચેતવણી જાહેર કરવી પડી છે. કેન્દ્ર સરકારે આ ચેતવણી જાહેર કરી છે અને ગૂગલ ક્રોમની 2 મહત્વપૂર્ણ ખામીઓ અંગે જાણકારીઓ આપી છે.
કેન્દ્ર સરકારના વિભાગ ‘ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ’ એ જણાવ્યું છે કે, ગૂગલ ક્રોમની આ ખામીઓને કારણે હેકર્સ સિસ્ટમમાં ઘૂસી શકે છે. આ બાબતે સુરક્ષિત કેવી રીતે રહેવું, એ અંગે પણ આ ટીમે જણાવ્યું છે. 8r અને 111 કરતાં વધારે જૂનું ગૂગલ ક્રોમનું વર્ઝન જે લોકો ઉપયોગમાં લેતાં હોય, તેમને આ ખામીઓ નડી શકે છે, અસર કરી શકે છે.
ગૂગલ ક્રોમની આ ખામીઓને કારણે હેકર્સ તમારી સંવેદનશીલ માહિતીઓ ચોરી શકે છે. તેઓ સિસ્ટમની સુરક્ષા વ્યવસ્થાને બાયપાસ પણ કરી શકે છે. વ્યક્તિગત અને સંસ્થાકીય વપરાશકારો માટે આ ખામીઓ ખતરો સાબિત થઈ શકે છે. હેકર્સ વેબપેજની મદદથી સિસ્ટમમાં દાખલ થઈ શકે છે. અને પછી આ ચોરેલી માહિતીઓનો દુરુપયોગ પોતાના ફાયદા માટે કરી શકે છે.
આ પ્રકારના કોઈ પણ સંભવિત નુકસાનને ટાળવા દરેક વપરાશકારે ક્રોમના વર્ઝનને અપડેટેડ કરવું જોઈએ. આ ઉપરાંત અન્ય સુરક્ષા ઉપાયો, જે સિસ્ટમમાં રહેલાં હોય, નો પણ ઉપયોગ કરવો જોઈએ. ટૂંકમાં, આ પ્રકારના બ્રાઉઝર અને અન્ય એપ્લિકેશન સતત અપડેટેડ કરતાં રહેવું જરૂરી છે.