Mysamachar.in-અમદાવાદ:
જ્યાં જુઓ ત્યાં સાયબર ક્રાઈમની વાતો, સમાચાર, વારતાઓ અને સ્ટોરીઝ જોવા મળી રહી છે, લાખો લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીઓ થઈ રહી હોવાના અહેવાલ આવતાં રહે છે, દરમ્યાન કોઈને પણ પ્રશ્ન થાય કે, આ સાયબર ક્રાઈમ ગુનેગારોને અદાલતમાં દોષિત સાબિત કરી શકાય છે ? જવાબ છે ‘ના’ ! વર્ષ 2019 થી 2023 દરમ્યાન અસંખ્ય સાયબર ક્રાઈમ નોંધાયા પરંતુ એક પણ આરોપી વિરુદ્ધનો ગુનો અદાલતમાં સાબિત થઈ શક્યો નથી. કોર્ટરાહે દોષિતની સંખ્યા શૂન્ય- આ જવાબ ખુદ સરકારે સંસદમાં આપ્યો.
સવારમાં ફાફડા ખાતાં હોય કે સાંજે ઘૂઘરા-પકોડા આરોગી રહ્યા હોય, ગુજરાતીઓ આવા ફોટા સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર અપલોડ કરવાના શોખીન છે, પરંતુ હકીકત એ છે કે, ગુજરાતીઓ ડિજિટલી ‘અભણ’ છે, તેમને સાયબર ગઠીયાઓ છેતરી જાય છે, ગુજરાતીઓ કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે એવું ફરિયાદોમાં કહેવાય છે.
વર્ષ 2019 થી 2023 દરમ્યાન ગુજરાતમાં સાયબર ક્રાઈમની સંખ્યા અઢી ગણી વધી ગઈ. ગુજરાતીઓ કેટલાં ‘ભોળા’ છે તેનો આ પુરાવો છે. બિચારા ગુજરાતીઓ છેતરાઈ રહ્યા છે. ભરોસે નાણાં ગુમાવી રહ્યા છે. પછી ફરિયાદ દાખલ કરાવવા દોડે છે. ગુજરાતીઓ જાગૃત નથી?! ગુજરાતમાં આ પાંચ વર્ષ દરમ્યાન સાયબર છેતરપિંડીઓના 8,661 કિસ્સાઓ બહાર આવ્યા પરંતુ તેમાંથી માત્ર 740 લોકોએ જ FIR દાખલ કરાવી. 90 ટકાથી વધુ લોકો ફરિયાદ દાખલ કરાવતા નથી ! કેમ?
ઉપરોકત આંકડામાં એ પણ જાણી લો કે માત્ર 221 કેસમાં જ ચાર્જશીટ ફાઇલ થયા. માત્ર એક જ કેસમાં અદાલતી કાર્યવાહીઓ પૂર્ણ થઈ અને અદાલતે એક પણ આરોપીને દોષિત ઠેરવ્યો નથી. પોલીસે આટલાં કેસમાં માત્ર 684 આરોપીને પકડયા. કુલ બનાવની સંખ્યા 8,661 જાહેર થઈ છે. આ તમામ આંકડાઓ સરકારે લોકસભામાં આપ્યા છે. ગુજરાતમાં સાયબર પોલીસ છે, પોલીસ સ્ટેશન છે પણ આ ક્ષેત્રના નિષ્ણાંતો નથી !


