Mysamachar.in-ગાંધીનગર;
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ તમને કદાચ અચરજ લાગી રહ્યું હશે પરંતુ તેમાં નવાઈ જેવું કશું નથી, કોરોનાકાળ બાદ સરકારી તંત્રો આ પ્રકારની મોજ વધુને વધુ લોકો માણી શકે તે માટે, પરમિટ આપવામાં 3 વર્ષથી ઉદાર બની રહ્યા છે, આ સમયગાળામાં પરમિટ આપવાની પ્રક્રિયાઓમાં 58 ટકાનો તોતિંગ ઉછાળો સરકારના રેકર્ડ પર નોંધાયેલો છે. રાજયમાં વધુને વધુ લોકોને આરોગ્ય જાળવવા દારૂની જરૂરિયાત છે, એવું સરકારી તબીબો માની રહ્યા છે અને છૂટથી પરમિટ માટે ભલામણ કરી રહ્યા છે, સંપન્ન ગુજરાતીઓ સરકારની આ ઉદારતાના લાભાર્થીઓ બની રહ્યા છે, ઝડપભેર. આમને આમ ચાલશે તો દારૂબંધી માત્ર ગરીબો પૂરતી જ રહી જશે, કાગળ પર.
વર્ષ 2020માં ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડરની સંખ્યા 27,452 હતી. નવેમ્બર, 2023માં આ સંખ્યા 43,470 થઈ છે. 3 વર્ષમાં 58 ટકાનો તોતિંગ ઉછાળો. 2021-22માં પણ આ ઉદારતા બરકરાર રહી હતી. જામનગરમાં 2,039 લોકો પાસે આ પરમિટ છે, જે ગાંધીનગર કરતાં મોટો આંકડો છે. પરમિટ બાબતમાં જામનગર રાજયમાં પાંચમા ક્રમે છે. વડોદરાની સરખામણીએ રાજકોટમાં તંત્ર વધુ ઉદાર છે, લગભગ બમણાંથી વધુ ઉદાર. રાજકોટ રંગીલું શહેર છે. રાજયભરમાં નશાબંધી અને આબકારી વિભાગ અગાઉની સરખામણીએ આ મામલે smooth બની ગયો છે. તંત્રો કહે છે, (શ્રીમંત) લોકો બહુ ટેન્શનમાં છે, તેઓને લીકરની આવશ્યકતા છે. તંત્રો મનોવિજ્ઞાન અને સમાજકારણના નિષ્ણાંત છે. માણસની 40 વર્ષની ઉંમર પછી આવું બધું બનતું હોય છે.