Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
એક તરફ કોરોના મહામારીનો કહેર વધી રહ્યો છે, તો બીજી તરફ ખુદ સરકારના જ કૃષિ વિભાગે પરિપત્ર જાહેર કરીને ખેડૂતોને એકઠા કરવા ના હુકમ બાદ આજે ગુજરાત કિશાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ મુખ્યમંત્રીને ઈમેઈલ મારફતે વિસ્તૃત રજૂઆત કરી છે, જેના અંશો અત્રે પ્રસ્તુત કર્યા છે, ગુજરાત રાજ્યના મધ્યમ વર્ગ અને સામાન્ય જનતા પાસેથી માસ્કના દંડ ઉઘરાવવામાંથી પરવાર્યા હોય હોય તેમ લાગે છે..
હાલ ભારત દેશમાં ચાલી રહેલા કોરોનાકાળ ચીનના વુહાંગ શહેરથી થઈ નમસ્તે ટ્રમ્પ કરી ગુજરાતના શહેર શહેર ફરી વળ્યો છે હવે તે ગામડાઓમાં પગપેસારો કરવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હાલતમાં રાજ્યના શ્રોતાઓને વાહનની સગવડ આપી, ચા નાસ્તો કરાવી રાજ્યની જનતાના ખર્ચે ઉત્સવો કરવાની આપની તલપાપળતા ગુજરાતના ખેડૂતોને વિચારશીલ બનાવી રહયા છે, ગુજરાતના ભાતીગળ ઇતિહાસના ધાર્મિક મેળાઓની જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓ સંમેલનો થકી આપના પક્ષે લોકમેળા જીવંત રાખ્યા છે તે આપનો કોરોના મહામારી અને ઊંચી ફી લેતા દવાખાના તરફનો ઉપકાર છે.
હાલ ગુજરાત નો ખેડૂત ત્રાહિમામ પોકારી જય તેવી અનેક સમસ્યા ભાજપ અને ભાજપની સરકારની અબજોપતિ સાથેની મિલીભગત થી ઉભી થઇ છે. રાજ્ય સરકારના કૃષી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ 3/9/2020 ના રોજ પરિપત્ર ક્રમાંક : કસપ/102020/850/ભાગ-2/કપ કરવામાં આવ્યો છે જેમાં મુખ્ય ઉદ્દેશ રાજ્ય સરકારની જ યોજનાઓના લાભાર્થીઓને એકઠા કરી જનતાની તિજોરીમાંથી લાખો રૂપિયાનું સરકારના ધરાર ગુણગાન ગવડાવવાનું અને આ એકઠા થયેલા સમૂહના માધ્યમથી ગામડાઓમાં કોરોના ફેલાવવાનું ષડયંત્ર સમાન હોય તેવું લાગી રહ્યું છે.
સાહેબ કોવિડ 19 મહામારીના કારણે રાજ્ય સરકાર માસ્ક વગરના પગપાળા ગરીબ લોકો પાસેથી પણ 1000 રૂપિયા દંડ વસુલ કરે છે, ખેડૂતોના વિવિધ પ્રશ્ને આપના જ શહેર રાજકોટમાં કલેકટરને 4 વ્યક્તિ રજુઆત કરવા જાય તો તેને બેરહેમી પૂર્વક માર મારવામાં આવે છે, લોકોએ લગ્ન પ્રસંગ કરવો હોય, કર્મકાંડ કે અગ્નિ સંસ્કાર હોય કે સામાજિક કોઈપણ પ્રસંગ હોય 50 લોકોથી વધારે મંજૂરી આપની સરકાર આપતી નથી,
અષાઢીબીજની ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય, જન્માષ્ટમીની રથયાત્રા હોય કે રામ નવમીની ભગવાન રામની શોભાયાત્રા હોય આપની સરકારે મંજૂરી આપી નથી એટલું જ નહીં રામાપીરનો મેળો હોય કે તરણેતરનો મેળો હોય ગુજરાતમાં તમામ મેળાઓ પર આપની સરકારે પાબંદી લગાવી છે એટલું જ નહીં અધૂરામાંપૂરું જે લોકો એક આસ્થા સાથે પોત પોતાના આરાધ્યદેવનું અનુષ્ઠાન કરતા કરતા પગપાળા જતા યાત્રિકો પર પણ આપની સરકારે રોક લગાવી દીધી છે.
કોરોના ન ફેલાય એટલા માટે જો આટલા પ્રતિબંધ આપની સરકાર લગાવતી હોય ત્યારે સરકાર ઉપરોક્ત પરિપત્ર કરવાનું વિચારી પણ કેમ શકે…? શું સરકારી કાર્યક્રમો કરવાનો કોરોનાએ ગુજરાત સરકારને પરવાનો આપ્યો છે….??? સરકાર અને કોરોના મહામારી વચ્ચે કોઈ કરાર થયા છે.? શું સરકાર બાંહેધરી આપે છે કે ત્રણ તાલુકા વચ્ચે એક જ જગ્યાએ 600 (100 લાભાર્થીઓ + 500પ્રગતિશીલ ખેડૂતો) લોકોને એકઠા કરે તો કોરોનાની કોઈ અસર નહિ થાય….? સરકાર માટે કોરોનાના નિયમો અલગ અને આમ જનતા માટે નિયમ અલગ આવું કેમ….? સરકાર જ લોકડાઉન થયું ત્યારથી લઈ આજ સુધી કોરોનાને લગતા નિયમો બનાવી માણસ એકઠું ન થાય, ભીડ ભેગી ન થાય તેવા નિયમો બનાવતી આવી હોય અને સરકારની તે જવાબદારી પણ છે.
જ્યારે સરકારની જવાબદારી જ ભીડ ભેગી થતા અટકાવવાની હોય એ જ સરકાર ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી માત્ર પોતાની વાહવાહી કરવા ભીડ ભેગી કરે ત્યારે સામાન્ય માણસે શું સમજવાનું….? આ દરેક કાર્યક્રમમાં ઓછામાં ઓછો એક લાખ રૂપિયાનો ધુમાડો થશે એ ઉપરથી લટકામાં…..!! અને અત્યાર સુધી કોરોનાના સંક્રમણથી મોટા ભાગે ગામડાઓ બચી શક્યા છે જે આપના આ “”કોરોના મેળાવડા”” ના કારણે કોરોના યુક્ત થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુજરાત કિસાન કોંગ્રેસની માંગણી છે.,
આવા કાર્યક્રમો સરકાર રદ્દ કરે અને લોકોના સુખાકારીનું વિચારે તેમ છતાં જો રાજ્ય સરકાર પ્રચાર પ્રસાર કરવા માંગતી જ હોય તો ગુજરાત કિસાન કોંગ્રેસ આ તમામ કાર્યક્રમોનો સખતમાં સખત વિરોધ કરશે. ગુજરાત કિસાન કોંગ્રેસ આપના તારીખ 10/09/2020 અને તારીખ 11/09/3020 ના કાર્યક્રમ પહેલા તારીખ 8/9/2020 અને તારીખ 9/9/2020 ના રોજ ખેડૂતોની 7 સમસ્યાઓ શિર્ષક હેઠળ સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમ કરશે આ કાર્યક્રમમાં ગુજરાતના ખેડૂતોની સમસ્યાના 7 મુદ્દા રજુ કરવામાં આવશે.