Mysamachar.in:અમદાવાદ:
રાજ્યમાં લાખો યુવકો અને યુવતિઓ પોલીસમાં ભરતી થવા ઈચ્છે છે પરંતુ ઉમેદવારોની સંખ્યા તોતિંગ છે, બીજી તરફ ખાલી જગ્યાઓ ઓછી છે. એમાંયે PSIની જગ્યાઓ બહુ ઓછી છે અને આ સમગ્ર ભરતીઓ પાછળ હજુ ઘણાં મહિનાઓ વીતી જશે એમ દેખાઈ રહ્યું છે. સરકારે આ બાબતે વડી અદાલતમાં કેટલીક વિગતો રજૂ કરી છે.
રાજ્ય સરકારે પોલીસ ભરતીઓ બાબતે વડી અદાલતને આપેલી વિગતોમાં જણાવાયું છે કે, ભરતીઓના પ્રથમ તબક્કામાં પોલીસની 11,000 જગ્યાઓ પર ભરતીઓ થશે. આ માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં આ માટે શારીરિક ક્ષમતાઓની કસોટી રાજ્યભરમાં લેવામાં આવી. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં પણ પોલીસ હેડ કવાર્ટર ખાતે આ શારીરિક કસોટી આયોજિત કરવામાં આવી હતી.
સરકારે વડી અદાલતમાં જણાવ્યું કે, આ 11,000 જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાઓ આગામી મે મહિના સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. વડી અદાલતની ખંડપીઠે પોલીસ તંત્રની ભરતીને લઈ સરકાર પાસે પોસ્ટવાઈઝ ભરતી કેલેંડર અને વિગતો માંગી છે. હવે પછીની મુદ્દત પહેલાં સરકારે આ વિગતો અદાલતમાં આપવાની રહેશે. આ મામલાની હવે પછીની સુનાવણી આગામી 14 ફેબ્રુઆરીએ થશે.
સુઓમોટો જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન સરકારે પોલીસ તંત્રની ભરતીઓ અંગેની રૂપરેખાઓ વર્ણવતા અદાલતમાં કહ્યું કે, પોલીસ વિભાગમાં વિવિધ કેડરમાં કુલ 25,660 જગ્યાઓ ખાલી છે. જેમાં સીધી ભરતીની પ્રક્રિયાઓ હાલ ચાલી રહી છે. ભરતી પ્રક્રિયાઓ જુદા જુદા તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 11,000 ખાલી જગ્યાઓ પર ભરતીઓ કરવા જે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે તેમાં 10 લાખથી વધુ ઉમેદવાર નોંધાયા છે.
સરકારે વધુમાં કહ્યું કે, બીજા તબક્કાની ભરતી પ્રક્રિયાઓ સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. જો કે કોર્ટ સહાયક તરફથી એવો સવાલ ઉઠાવાયો કે, હાલમાં જે 11,000 જગ્યાઓની ભરતીઓ હાથ ધરવામાં આવી છે તેમાં PSI ની જગ્યાઓ માત્ર 475 જ છે. તો તેની ભરતીઓ માટે કોન્સ્ટેબલની ભરતીઓ જેટલો લાંબો સમય ન લેવાવો જોઈએ. જેથી વડી અદાલતે સરકાર પાસે પોસ્ટવાઈઝ ભરતીઓનું કેલેંડર અને વિગતો માંગી. અને, આગામી મુદ્દતે તે કેલેંડર રજૂ કરવા કહ્યું. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસના મોટર વાહન વિભાગમાં ભરતીઓ અંગેના એક મામલામાં ચુકાદો સરકાર તરફે આવ્યો છે. આ વિભાગમાં 183 પોસ્ટ આગામી એકાદ-બે મહિનામાં ભરવામાં આવશે.