Mysamachar.in-રાજકોટ:
સૌરાષ્ટ્ર-ગુજરાતના જુદાજુદા વિસ્તારોમાં લગભગ દરરોજ ઘાતક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અનેક લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. આવા બનાવોના સ્થળો પર કલાકો ટ્રાફિક જામ પણ રહે છે. વાહનો ચલાવવામાં બેદરકારીઓ ઘટવાને બદલે વધી રહી છે, જે દર્શાવે છે કે, વાહનચાલકો ચબરાક નથી અથવા આડેધડ વાહનો ચલાવી રહ્યા છે !
એક ભયાનક અકસ્માત રાજકોટ જિલ્લાના જસદણ નજીક સર્જાયો છે. આ અકસ્માત જસદણના દડવા પંથકમાં સર્જાયો. જેમાં એક કાર પુલ પરથી નીચે પડી. બાદમાં આ કાર સળગી ગઈ. આ કારમાં એક બાળક સહિત કુલ 3 લોકો હતાં. ત્રણેય જિંદગીઓ કાર સાથે ભડથું થઈ ગઈ. આ અકસ્માત આજે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ સર્જાયો. અકસ્માતમાં કારની હાલત એવી થઈ ગઈ કે, ગોંડલ પાલિકાની ફાયરશાખાની ટીમે ગેસકટરથી કારના પતરાં કાપી, એક જ પરિવારના આ 3 સભ્યોના સળગી ગયેલા મૃતદેહ બહાર કાઢવા પડ્યા.
અન્ય એક અકસ્માત રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગ પર સર્જાયો. અહીં હીટ એન્ડ રનની ઘટના બની. એક કારે માલીયાસણ નજીક એક વૃદ્ધને ફૂટબોલની જેમ ઉડાવી દીધાં. વૃદ્ધનું મોત થયું. કાર ભાગી છૂટી. મૃતક કુવાડવા ગામના રહેવાસી હતાં. પોલીસે ગુનો દાખલ કરી, તપાસ હાથ ધરી છે.
ત્રીજો અકસ્માત વડોદરા-કરજણ માર્ગ પર સર્જાયો. નેશનલ હાઈ-વે 48 પર આ અકસ્માત ટ્રાવેલ્સની એક બસ અને ટ્રક વચ્ચે થયો. ટ્રક રસ્તાની બાજુ પર ઉભો હતો. બસ ત્યાં જઈ ઉભેલા ટ્રક સાથે ટકરાઈ ગઈ ! 10 મુસાફરોને ઈજાઓ થઈ અને અન્ય 2 મુસાફરોના મોત થઈ ગયા. (તમે આવા વાહનચાલકોનું કરી શું લ્યો ? આ પ્રકારના પ્રશ્નોનો લોકો રોજ સામનો કરી રહ્યા છે).
























































