Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં સ્પા બિઝનેસ વર્ષોથી રસદાર અને કસદાર છે. આમ છતાં, સંબંધિત વિવિધ તંત્રો જાણે કે, શહેરમાં ક્યાંય સ્પા છે જ નહીં, એટલી હદે અજાણ્યા હોવાનો ઢોંગ કરી રહ્યા હોય, જાણકારોમાં રસભરી ચર્ચાઓ ચાલી રહી છે. જામનગરમાં કોઈ કારખાનેદાર કે ઉદ્યોગપતિ પોતાને ત્યાં પરપ્રાંતિય કામદારોને નોકરીએ રાખે તો, તે નોકરીદાતાઓએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના કામદારોની ઓળખ અંગેનાં પુરાવાઓ તથા આધારો જમા કરાવવાનાં હોય છે. આ ઉપરાંત કોઈ મકાનમાલિક આ પ્રકારના પરપ્રાંતિય ભાડૂઆતો ધરાવતાં હોય તો તે મકાનમાલિકોએ પણ સંબંધિત પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ભાડૂઆતોની ઓળખ અંગેનાં પુરાવાઓ તથા આધારો જમા કરાવવાનાં હોય છે.
આ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે જાહેરનામાઓ પણ પ્રગટ થતાં રહેતાં હોય છે અને ‘મેળ’ આવે ત્યારે કોઈ સંબંધિત પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનાઓ પણ નોંધાતા રહેતાં હોય છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે, ઘણાં લોકો એવી પણ ચર્ચા કરતાં હોય છે કે – શહેરમાં વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને પંચવટી તથા પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં ચમકદાર શરીર સૌષ્ઠવ ધરાવતી પરપ્રાંતિય યુવતીઓ – ખાસ કરીને બંગાળી અથવા ઉત્તર પૂર્વ ભારતની એટલે કે મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા વગેરે રાજ્યોની – તથા થાઈલેન્ડ, શ્રીલંકા અને ફિલિપાઇન્સ તથા બાંગ્લાદેશ જેવા દેશોની યુવતીઓ ઘણી વખત નજરે ચડતી હોય છે.આ પ્રકારની યુવતીઓ મોટેભાગે શોપિંગ કરવા પૂરતી જ શહેરમાં નીકળતી હોય છે. બાકીનાં સમયમાં આ યુવતીઓ પોતાના ફ્લેટમાં અથવા કોઈ સ્પામાં નોકરી કરતી હોય છે.
આ પ્રકારની ચર્ચાઓ સાથે ઘણા લોકો એવી પણ ચર્ચા કરતાં હોય છે કે, આ પ્રકારની યુવતીઓ ‘વરધી’ પણ એટેન્ડ કરતી હોય છે ! કેટલાંક તો વળી એ ચર્ચા પણ કરતાં હોય છે કે, સ્પા સંચાલકોની મદદથી આવી યુવતીઓનો તંદુરસ્ત ‘બકરાં’ ફસાવવામાં પણ ઉપયોગ થતો હોય છે ! બાદમાં, પાંચ છ આંકડાની રકમોમાં સંબંધિતો તોડ પણ કરી લેતાં હોય છે. જો કે આ મુદ્દાઓ તપાસનાં મુદ્દાઓ છે. તેથી પણ વધુ મહત્ત્વનો મુદ્દો એ છે કે, આ પ્રકારની યુવતીઓની પરપ્રાંતિય કે વિદેશી નાગરિક તરીકે ક્યાંય નોંધ થાય છે ?! અને, આ પ્રકારની યુવતીઓની નોંધ કરાવવા અંગે ક્યારેય, કોઈ જાહેરનામું પ્રગટ થયું હોય એવું અત્યાર સુધીમાં જાણમાં નથી આવ્યું ! આ આખો વિષય આમ તો ઘણાં સમયથી શહેરમાં ચર્ચાઈ રહ્યો છે પરંતુ તાજેતરમાં વધુ એક સ્પા સંચાલક વેશ્યાવૃત્તિ કરાવતો ઝડપાઈ ગયા પછી, આ ચર્ચા ખાસ કરીને યુવાવર્ગમાં ટોક ઓફ ધ સિટી બની છે !