Mysamachar.in-સુરતઃ
નવરાત્રી એટલે યુવાધનનો પ્રિય તહેવાર, નવ દિવસ સુધી યુવક-યુવતીઓ રાત્રે મોડે સુધી ગરબા રમતાં હોય છે, જો કે આ દરમિયાન પ્રેમ પ્રકરણો ખીલવાની સંખ્યા ખૂબ જ વધી જતી હોય છે. ઘણા કિસ્સામાં આ સંબંધો લગ્નમાં પણ પરિણમતા હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતો હોય છે, સુરતમાં આવો જ એક બનાવ સામે આવ્યો, અહીં નવરાત્રી દરમિયાન થયેલી ઓળખાણ બાદ એક યુવક યુવતીના એક તરફી પ્રેમમાં પડ્યો હતો. પરંતુ મામલો એટલો અટવાયો કે છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો.
વરાછા વિસ્તારમાં નવરાત્રી પહેલા શરૂ થયેલા ગરબા ક્લાસીસમાં એક યુવતીને ગરબા ક્લાસમાં યશ કમલેશ નાયક સાથે મિત્રતા થઈ હતી. બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ લે થયા બાદ બંને ફોન પર વાતો પણ કરતા હતા. ત્યારબાદ આ નવરાત્રી દરમિયાન શરૂ રહેતા યશ આ યુવતીના એક તરફી પ્રેમમાં પડી ગયો હતો. યશ યુવતી કરતાં 9 વર્ષ નાનો હતો, જ્યારે યશે તેના પ્રેમની જાણ યુવતીને કરી તો તેણીએ પ્રસ્તાવ ઠૂકરાવી દીધો અને યશ સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. જોકે, યશ અહીંથી ન અટક્યો અને તેણે અનેક વખત યુવતી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાદમાં યુવતી જે બેંકમાં નોકરી કરતી હતી ત્યાં યશ પહોંચી ગયો હતો અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વાત અહીંથી અટકી ન હતી અને ગત તારીખ 7મી ઓક્ટોબરના રોજ સવારે યશ બેંક ખાતે પહોંચી ગયો હતો અને યુવતીને મારી સાથે લગ્ન કરવા છે કે નહીં? તેવું કહીને બબાલ કરી હતી.
પોતાના પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવતા યશ રોષે ભરાયો અને 7મી ઓક્ટોબરે ફરીથી તે યુવતીને મળવા તેની બેંકે પહોંચ્યો, જો કે યુવતી તેના નિર્ણયથી અડગ રહી હતી અને યશના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. આથી યશ ગુસ્સે થયો અને બેંકમાં યુવતીનો ફોન ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. જો કે મોટી બબાલ થતા બેંકના અન્ય કર્મચારીઓ વચ્ચે પડ્યા અને પોલીસને જાણ કરી. યુવતીએ ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.