Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાકૃતિક વિરાસતમાં વૃદ્ધિ કરતા ગાંધવી ખાતે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરતા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. કંડારાયેલી સાંસકૃતિક વનોના નિર્માણની શ્રૃખંલામાં પ્રસિદ્ધ દર્શનીય સ્થળ હર્ષદ નજીક નિર્મિત હરસિદ્ધિ વન 23 મું ઉપવન છે. મુખ્યમંત્રી આજે દેવભૂમિ દ્વારકાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યના વન વિભાગ દ્વારા 5 હેક્ટરમાં નિર્માણ પામેલા હરસિદ્ધિ વનનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી તેની મુલાકાત લીધી હતી અને સેરેમોનીયલ ગાર્ડન ખાતે ક્રિષ્ન વડનું સ્થાપન કર્યું હતું. ઉપરાંત પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી નાગરિકોને મહત્તમ વૃક્ષોનું વાવેતર કરવા પ્રેરિત કર્યા હતા.
દ્વારકાથી સોમનાથ જતાં પ્રવાસીઓ માટે બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે સાબિત થનારા હરસિદ્ધિ વનમાં મુખ્ય આકર્ષણના કેન્દ્રો જોઈએ તો મુખ્ય પ્રવેશ દ્વાર, પ્રવેશ ૫રિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉ૫વન, શ્રી કૃષ્ણ કમળ વાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણોનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.
આ વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, પવિત્ર ઉ૫વન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટસ વાટીકા વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવ્યુ છે. ઉપરાંત બાળ વાટિકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન, ગઝેબો, સનસેટ પોઇન્ટ પ્રવાસીઓને આકર્ષિત કરશે. પર્યટકોની સુગમતા ધ્યાને લઇ પાર્કીંગ એરીયા, ટોયલેટ અને પીવાના પાણી, રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ વનમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો જેવા કે વડ, પીપળો, પ્રાગ વડ, દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ પીલુ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે. વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત 41619 રોપાઓનું વાવેતર કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ખાતે નવનિર્મિત “હરસિદ્ધિ વન” એ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું દ્વિતીય સાંસ્કૃતિક વન છે. આ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિલ્લાને નાગેશ વનની ભેટ આપી છે. જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસીઓ સંખ્યામાં વધારો થતાં સ્થાનિક માટે ઉન્નતિનો માર્ગ ખુલશે.