Mysamachar.in-જામનગર:
GG હોસ્પિટલ લાખો લોકો માટે આશિર્વાદરૂપ છે, સૌરાષ્ટ્રની આ સૌથી મોટી હોસ્પિટલમાં દર વર્ષે સરેરાશ 7 લાખ દર્દીઓ આરોગ્ય સેવાઓ અને સુવિધાઓનો લાભ મેળવે છે, આમ છતાં રાજ્ય સરકાર આ હોસ્પિટલ પર ધ્યાન આપતી નથી. સરકાર આ અંગે બધું જ જાણતી હોવા છતાં આ હોસ્પિટલને રામભરોસે ચલાવવામાં આવી રહી છે, જેનો જાણકારોના મતે એક અર્થ એવો થઈ શકે કે, સરકાર અથવા સરકારના કોઈ કૃપાપાત્ર આ રામભરોસે સિસ્ટમનો આડકતરો લાભ મેળવી રહ્યું છે અને એ પણ વર્ષોથી. આરોગ્યના ધામમાં પણ આવી રાજરમત ?! એમ પણ શક્ય છે કે, આટલાં લાંબા સમય સુધી રાજ્ય સરકારને શીશી સૂંઘાડી આરોગ્ય સચિવો અથવા આરોગ્ય કમિશનરો ચોક્કસ પ્રકારની મોજ કરી રહ્યા હોય.
સરકારને અહીં કરોડો રૂપિયાના ખર્ચે નવી નવી ઈમારતો ખડકવામાં રસ છે ( શા માટે?!) પરંતુ સરકારને અહીં તબીબો અને જરૂરી અધિકારીઓ મૂકવામાં રસ નથી. અધિકારીઓની ગેરહાજરીમાં આ કરોડોના વહીવટમાં શું શું થઈ શકે ?! તેનો જવાબ સમજી શકાય એવો હોય છે. આ આખું સંકુલ અબજો રૂપિયાના કૌભાંડનું ઘર છે? એવી શંકાઓ એટલાં માટે કરી શકાય કેમ કે, સ્થાનિક કક્ષાએથી માંગણી થાય છે છતાં ગાંધીનગર આ હોસ્પિટલમાં અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરતું નથી. કુછ તો હૈ, દયા- લોકો આવું વિચારી રહ્યા છે.
1,339 પથારીઓ ધરાવતી આ વિશાળ હોસ્પિટલમાં વહીવટ માટે સરકારે કુલ 1,385 અધિકારીઓ અને કર્મચારીઓની જગ્યાઓ નક્કી કરી છે. પરંતુ સરકાર તે પૈકી 473 અધિકારીઓ અને કર્મચારીઓની ભરતીઓ કરતી નથી. શા માટે આ ભરતીઓ થતી નથી? આ પ્રશ્ન વિધાનસભામાં શા માટે ગાજતો નથી ?! આટલી બધી જગ્યાઓ ખાલી હોવાથી વર્તમાન અધિકારીઓ અને કર્મચારીઓ તથા તબીબો પર વધારાનો વર્કલોડ રહે છે, જેની અસરો આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ પર પડે છે અને લાખો દર્દીઓને તેથી નુકસાન થાય છે. અને, જવાબદાર અધિકારીઓની ગેરહાજરીને કારણે સમગ્ર વહીવટમાં કયાંય, કશુંક ખોટું થતું હોય તો તે પકડે કોણ.? આ સ્થિતિમાં ભયંકર ભ્રષ્ટાચાર અને ગેરશિસ્ત પણ શક્ય છે. જિલ્લા રોગી કલ્યાણ સમિતિએ આ મુદ્દો સરકારમાં અસરકારક રીતે પેશ કરવો જોઈએ. જો ખરેખર તેઓ રોગીઓનું કલ્યાણ ઈચ્છતા હોય તો.
આ હોસ્પિટલમાં વહીવટી અધિકારીની જગ્યા 7-7 વર્ષથી ખાલી શા માટે રાખવામાં આવી છે.? અને હિસાબી અધિકારીની નિમણૂંક પણ લાંબા સમયથી શા માટે કરવામાં આવી નથી? નર્સિંગ વિભાગમાં પણ વર્ગ-3 ની 63 જગ્યાઓ ખાલી રાખવામાં આવી છે અને ડોકટરોની ઘટ 24 ટકા જેટલી મોટી છે. ન્યૂરો સર્જનની નિમણૂંક વર્ષો બાદ થઇ, યુરોલોજિસ્ટ અને પ્લાસ્ટીક સર્જનની જગ્યાઓ ખાલી શા માટે રાખવામાં આવી છે ?!
રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી કહ્યું છે કે, હોસ્પિટલમાં સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા GISFને સોંપવાની છે. રાજયમાં આ માટે ભરતીઓ અને નિમણૂંકો થઈ છે, જામનગરમાં આવી ભરતીઓ શા માટે નથી થતી? વર્તમાન સલામતી વ્યવસ્થા અનેક વખત વિવાદોમાં આવે છે, એ પણ ઉલ્લેખનિય છે.