Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર ગુજરાતમાં સંખ્યાબંધ ખાનગી મેડિકલ કોલેજો ધડાધડ શરૂ થઈ ગઈ. પરિણામ એ આવ્યું કે, આ કોલેજોમાં હવે બેઠકો ખાલી રહે છે, એટલે ધંધો આગળ વધારવા પ્રવેશ માટેની લાયકાત ઘટાડી દેવામાં આવી રહી છે ! એટલે હવે તેજસ્વી તબીબોના બદલે ‘પરચૂરણ’ તબીબો તમારાં રોગનું નિદાન કરશે, તમારૂં ઓપરેશન કરી નાંખશે. રાજ્યમાં છેલ્લા ચાર ચાર વર્ષથી, પી.જી. પ્રવેશમાં આ સ્થિતિઓ છે !
મેડિકલ કોલેજમાં તમારે પી.જી.અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો હોય તો NEET એક્ઝામ આપવી પડે. જેના ગુણના આધારે મેરીટ લિસ્ટ બને. પરંતુ છેલ્લા ચાર વર્ષથી તકલીફ એ છે કે, આ પીજી બેઠકો પ્રવેશના બબ્બે ત્રણ ત્રણ રાઉન્ડ બાદ પણ મોટી સંખ્યામાં ખાલી રહે છે, આથી હવે ગમે તે પ્રકારના ‘પરચૂરણ’ છાત્રો અને છાત્રાઓને આ ખાલી બેઠકો પર પ્રવેશ આપી દેવાનો ખેલ ચાલે છે. આ પરચૂરણ ડોકટરોના હવાલે લાખો લોકોની જિંદગીઓ !
ઓલ ઈન્ડિયા કવોટા સહિતની સ્ટેટ કવોટાની પી.જી.મેડિકલ બેઠકો દર વર્ષે ખાલી રહેતાં 3 વર્ષથી પ્રવેશ માટેના નીટ કટ ઓફ માર્ક ઘટાડવામાં આવી રહ્યા છે. આ વર્ષ સુધી સ્થિતિઓ એવી હતી કે, જનરલ અને ઈબીસી માટે કટ ઓફ પર્સેન્ટાઈલ 50 હતાં જે આ વર્ષે 15 ઘટાડી દેતાં હવે માત્ર 35 પર્સેન્ટાઈલ મેળવનાર પણ ડોક્ટર બની જશે. એસસી-એસટી માટે આ કટ ઓફ 45 હતાં, તેમાં પણ 10 નો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.