Mysamachar.in-જામનગર
ચોમાસામાં નવું પાણી જ્યારે પણ પીવાના ઉપયોગમાં લેવાતું હોય છે ત્યારે, ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોને પેટના રોગ સહિતની બિમારીઓ લાગુ પડતી હોય છે, કેમ કે નવું પાણી પચવામાં ભારે હોય છે અને આમેય ચોમાસાની સિઝનમાં વાતાવરણનો ભેજ તથા ઓછો સૂર્યપ્રકાશ જેવા કારણોસર પાચન સંબંધિત સમસ્યાઓ ઘણાં બધાં લોકોને અસર કરતી હોય છે, જેનો બેસ્ટ ઉપાય છે, ક્લોરિન ઉમેરેલું અથવા ઉકાળેલું પાણી પીવાના ઉપયોગમાં લેવું. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ જામનગરમાં કોલેરાના કેસ પણ મળી રહ્યા છે અને ઝાડા ઉલ્ટી જેવા રોગ પણ જોવા મળે છે.
જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલ જણાવે છે, દર વર્ષે ચોમાસામાં નવા પાણીની આવક અને વપરાશ ચાલુ થઈ રહ્યા હોય ત્યારે, લોકોને આપવામાં આવતાં પીવાના પાણીનું કોર્પોરેશન દ્વારા સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે. એટલે કે, પાણી શુદ્ધિકરણ દરમિયાન તેમાં ક્લોરિનનું પ્રમાણ વધારવામાં આવે છે.
આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે, હાલમાં કોલેરા સ્થિતિ ધ્યાન પર રાખી પાણીની પાઈપ લાઈનનું ચેકિંગ, લીકેજીસ બંધ કરવાની કાર્યવાહીઓ તથા પાણીની પાઈપ લાઈન ના નબળાં વાલ્વ, ત્યાં થતું લીકેજીસ તથા આવી જગ્યાઓ પર થતાં જલભરાવ જેવી બાબતો ધ્યાનમાં લઈ આ તમામ કામગીરીઓ યુદ્ધના ધોરણે, તાકીદે કરવામાં આવી રહી છે. હાલમાં જ આવા 15 લીકેજીસ બંધ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત તેમણે લોકોને અનુરોધ કર્યો છે કે, જે નગરજનો ડંકી અથવા બોરનું પાણી પીવાના ઉપયોગમાં લઈ રહ્યા છે, તે લોકોએ આ પાણી ઉકાળીને પીવું અથવા આ પાણીમાં ક્લોરિન ટેબલેટ ઉમેરીને ક્લોરિનેટેડ પાણી પીવાનાં ઉપયોગમાં લેવું જોઈએ.(file image source:google)