Mysamachar.in:જામનગર
ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધીનાં આંકડાઓ કહે છે કે, દેશમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે. અને સૌરાષ્ટ્રમાં ચોમાસું શરૂ થયું ત્યારથી જેજે વિસ્તારોમાં જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે સંતોષજનક વરસાદ વરસી રહ્યો છે. હજુ સુધી કોઈ મોટી નુકસાની કે જાનહાનિનો અહેવાલ નથી. સમગ્ર સૌરાષ્ટ્રની સાથે જામનગર જિલ્લામાં પણ પાછલાં ચોવીસ કલાકમાં વધુ એક વખત નોંધપાત્ર વરસાદ થયો છે. સૌ પ્રથમ તાલુકામથકોના આંકડા. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં 24 કલાક દરમિયાન જામનગરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જોડિયામાં સવા ઈંચ, ધ્રોલમાં પોણા પાંચ ઈંચ, કાલાવડમાં પોણા બે ઇંચ, લાલપુરમાં માત્ર અડધો ઈંચ અને જામજોધપુરમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામજોધપુર તાલુકાના ધ્રાફામાં સવા સાત ઈંચ નોંધાયો છે. કાલાવડનાં ખરેડી ગામમાં 6 ઈંચ, જામનગર નજીકના દરેડમાં સાડા પાંચ ઈંચ અને જામજોધપુર તાલુકાના સમાણામાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જિલ્લાના જે-જે ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે તે ગામોનાં નામો અને વરસાદનાં આંકડા આ પ્રમાણે છે : જામનગર તાલુકાના જામવંથલીમાં તથા મોટી બાણુગારમાં સાડા ચાર ઈંચ, અલિયાબાડામાં સવા ત્રણ ઈંચ, લાખાબાવળ-મોટી ભલસાણ-ફલ્લા અને વસઈમાં અઢી-પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જોડિયા તાલુકાના પીઠડ ગામમાં સવા બે ઇંચ અને હડિયાણામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીમાં 3 અને લતીપુર તથા લૈયારામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના મોટા વડાળામાં તથા ભલસાણ બેરાજામાં 3-3 ઈંચ વરસાદ તથા નવાગામ અને મોટા પાંચ દેવડા ગામમાં સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નિકાવામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. જામજોધપુર તાલુકાના સમાણામાં સવા પાંચ ઈંચ, વાંસજાળીયામાં સાડા ચાર ઈંચ, જામવાડીમાં 4 ઈંચ, શેઠ વડાળામાં અઢી ઈંચ અને ધૂનડામાં 2 ઈંચ તથા પરડવામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. લાલપુર તાલુકાના પડાણા તથા મોડપરમાં દોઢ દોઢ ઇંચ, ભણગોર તથા હરિપરમાં સવા-સવા ઈંચ તથા મોટા ખડબા અને પીપરટોડામાં માત્ર ઝાપટાં નોંધાયા હતા.