Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આગામી તા.૬ ડીસેમ્બર થી ૮ ડિસેમ્બર દરમિયાન ૪૫ માં ગીતાજયંતી મહોત્સવનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. પૂ.શ્રી વિરાગમુનિ સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ સંચાલન શ્રી ગીતા વિદ્યાલય ખોડીયાર ધામ ખાતે છેલ્લા ૪૪ વર્ષથી ગીતાજયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, અને દર વર્ષે પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં ગીતા સંદેશનો આ ઉત્સવ ઉજવાય રહ્યો છે, અને ગીતાજયંતીના દિવસે પૂ. બાપુ ગીતા સંદેશ આપે છે. આમ ગીતાજીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
જોડીયા ગામ ખાતે યોજાનાર ત્રિદિવસીય ગીતાજયંતીના ધાર્મિક પ્રસંગે સંતો કથાકારો દ્વારા તા. 6 ડિસેમ્બર 2019ના શુક્રવારે સાંજે 4 થી7 સત્સંગ પ્રવચન કરવામાં આવશે. તા.7 ડિસેમ્બર શનિવારે સવારે 8 થી 12 સત્સંગ પ્રવચનો ધાર્મિક રસથાળ પીરસવામાં આવનાર છે આ ઉપરાંત શનિવારે ગીતાજયંતીના પૂર્વ સંધ્યાએ રાત્રિના 9 કલાકે ભજન સંધ્યા પણ રાખવામાં આવેલ છે. માગશર સુદ એકાદશીના તા.૮ ડિસેમ્બર રવિવારે ગીતા જયંતી નિમિત્તે પૂ. મોરારીબાપુ દ્વારા 9:30 વાગ્યાથી ગીતા સંદેશ આપવામાં આવનાર છે. શ્રી ગીતા જયંતી મહોત્સવ દરમિયાન વિશ્વ કલ્યાણ અર્થે અને હરિ પ્રસ્ન્તાર્થે ગીતા વિદ્યાલય ના બાળકો તેમજ ભાવિકો દ્વારા સામૂહિક હોમાત્મક પાઠ અનુષ્ઠાન પણ કરવામાં આવનાર છે. જામનગર જિલ્લાના જોડીયા ખાતે શ્રી ગીતા વિદ્યાલય, જોડિયાધામમાં ખાસ ધર્મક્ષેત્ર ખાતે આગામી તા. 6થી8 ડિસેમ્બર દરમિયાન યોજાનાર ગીતા જયંતી મહોત્સવ ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવમાં ધર્મપ્રેમી સર્વે ભાઈ બહેનોએ ઉપસ્થિત રહેવા શ્રીરામકૃષ્ણ સાધના ટ્રસ્ટના અધ્યક્ષ યોગેશ શાસ્ત્રી તેમજ શ્રી ગીતા વિદ્યાલય પરિવાર જોડીયાધામ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.