Mysamachar.in:જામનગર
જામનગરમાં કોર્પોરેશન અને કચરો – મોટાં વિવાદનાં કેન્દ્રમાં છે. કચરામાં ચાલતો કરોડોનો ખેલ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એક તરફ કોન્ટ્રાક્ટર પાર્ટી કામમાં વેઠ ઉતારી રહી છે. અને બીજી બાજુ કોર્પોરેશનનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ આ પાર્ટીનાં બિલો સરળતાથી પાસ થાય તે માટે NOC આપી રહ્યો છે !
અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ગુલાબનગર ખાતે કાર્યરત કચરાનાં પ્રોસેસિંગ પ્લાન્ટની પાર્ટી અત્યાર સુધીમાં આ કામ પેટે પ્રથમ તબક્કાનાં રૂ.4.50 કરોડ પૈકી રૂ.1.50 કરોડ ખિસ્સામાં નાંખી ચૂકી છે. અને આ કામ પેટે આ પાર્ટી હજુ વધુ રૂ.3 કરોડ ખિસ્સામાં સેરવી લેવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે. જે પૈકી એક બિલ રૂ.1.75 કરોડનું અને એક બિલ રૂ.1.25 કરોડનું છે. આ બંને બિલ પર કમિશનરની મંજૂરી લાગી જશે એટલે પાર્ટીનાં ખિસ્સામાં પ્રથમ તબક્કા પેટે કુલ રૂ.4.50 કરોડ સરકી જશે. કામ યોગ્ય રીતે થયું નથી એટલે આ રકમનો મનપાની તિજોરીને ચૂનો લાગી જશે !
જો કે કોર્પોરેશનમાંથી સંકેતો એવાં મળી રહ્યા છે કે, કમિશનર આ બિલો પર અભ્યાસ બાદ સહીઓ કરતી વખતે તટસ્થ વલણ અખત્યાર કરશે. અને શક્ય છે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને પૂછશે કે, કયા આધારે આ કામને NOC આપી દેવામાં આવ્યું છે ?! સૂત્રો ત્યાં સુધી જણાવે છે કે, પાર્ટીનાં કુલ રૂ. 3.00 કરોડનાં હાલનાં બે બિલ સરળતાથી પાસ થાય તે માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં મોટાં સાહેબ તથા તેનાથી નાનાં સાહેબે ‘દોઢ પેજ’ માં પાર્ટીનાં કામનાં વખાણ કરતાં લખ્યું છે કે, આ કામ ખૂબ જ સંતોષપૂર્ણ રીતે થયું છે ! કામનાં નિરીક્ષણની સતા ધરાવતાં અમલદારો કામને સંતોષજનક લેખાવે – તેનો જાણીતો અર્થ એ થાય કે, અમલદાર ખુશ છે. તેઓને ખુશ કરી લેવામાં આવ્યા છે !
આટલાં વિવાદો વચ્ચે જો આગામી ગણતરીના દિવસોમાં આ બંને બિલોનાં નાણાં કોન્ટ્રાક્ટર એજન્સી સહિતના લોકોનાં ખિસ્સામાં પહોંચી જાય તો તેનો અર્થ એ પણ થઈ શકે છે કે, કોઈ અદ્રશ્ય શક્તિ સૌ પર હાવી છે ! અને આ શક્તિ કોન્ટ્રાક્ટરની હિતેચ્છુ છે. આ શક્તિ બે મુખ ધરાવે છે ! કહેવાય છે કે, શાસકપક્ષનાં એક વગદાર સભ્ય ઈચ્છે છે કે, આ પાર્ટીનાં બંને બિલ વિઘ્ન વિના પાસ થાય. અને, વિપક્ષનાં એક બળુકા સભ્ય પણ, શામ-દામ-દંડ અને ભેદ અપનાવી આ બંને બિલ પાસ કરાવવા કોર્પોરેશનમાં રીતસરના ધમપછાડા કરે છે !
નવાઈની વાત એ છે કે, શાસક અને વિપક્ષનાં એક એક બાહુબલી સભ્યો આ કોન્ટ્રાક્ટર પ્રત્યે કૂણી પરંતુ શંકાસ્પદ લાગણી ધરાવે છે એ બાબત પ્રત્યે શાસકપક્ષ અને વિપક્ષ સાવ અજાણ હોય એવું દેખાઈ રહ્યું છે ! આ બંને પાર્ટીઓ ખરેખર અજાણ હશે ?! એ ચર્ચા પણ કોર્પોરેશનમાં ચાલુ જ છે. એમ પણ માનવામાં આવે છે કે, પ્રથમ તબક્કામાં રૂ.4.50 કરોડનું પેમેન્ટ કલીયર થઈ જાય તે માટે પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ શાસકપક્ષનાં એક સભ્ય સુધી પહોંચી ગયું છે! અને વિપક્ષનાં એક સભ્ય તો કોન્ટ્રાક્ટર પાર્ટી સાથે જ છે !
એમ પણ કહેવાય છે કે, આ કામનાં બીજાં તબક્કામાં કોન્ટ્રાક્ટરને કોર્પોરેશન પાસેથી મેળવવાનાં થતાં રૂ.3.50 કરોડનાં બિલોનાં ચુકવણા દરમિયાન, શાસકપક્ષનાં આ વગદાર સભ્યને બીજો મોટો ઇન્સ્ટોલમેન્ટ આપવાનું પણ નક્કી થયું છે. આ બંને ઇન્સ્ટોલમેન્ટની કુલ રકમનો સરવાળો ખુબ મોટો થશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. ટૂંકમાં, લાગતાં વળગતા સૌ ઇચ્છે છે કે, કામ ભલે ગમે તે પ્રકારનું થાય કે થતું હોય, કોન્ટ્રાક્ટર પાર્ટીને તેનાં પૂરેપૂરાં નાણાં મળી જવા જોઈએ ! આ આખી રમત કોર્પોરેશનનાં વહીવટી વડાના ધ્યાન બહાર છે, એટલે કચરા પ્રોસેસિંગ પ્લાન્ટના બિલોનાં નાણાં અંગે આટલી કોમેન્ટ આવશ્યક લેખાશે. આ કામમાં કોર્પોરેશને તો ગુમાવવાનું જ છે ! કરદાતા નગરજનોનાં રૂ. 8.00 કરોડનો આ રીતે ઘાટ ઘડાઈ ચૂક્યો છે !