Mysamachar.in:જામનગર
કચરામાંથી કંચન ઉર્ફે સોનું મેળવવાની કળા જામનગર મહાનગરપાલિકાને વર્ષોથી હસ્તગત હોવાની વાત હવે કોઈ માટે નવી કે નવાઈની રહી નથી. કારણ પણ સૌને ખ્યાલ છે. કચરો માત્ર કચરો જ હોતો નથી. કચરાનું મેનેજમેન્ટ કરવાની એક ખૂબી હોય છે. જો તમે સોલિડ રીતે વેસ્ટનું મેનેજમેન્ટ કરી શકો તો, સોલિડ રીતે તમે અન્ય લોકોથી આગળ નીકળી શકો, એવું કોર્પોરેશનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ સૌને શીખવાડી દીધું છે.
જામ્યુકોનો ગુલાબનગર ડમ્પ સાઈટ પ્રોજેક્ટ આ પ્રકારનો એક પ્રોજેક્ટ છે ! ઓછાં નાણે થતું કામ વધુ નાણાં ખર્ચીને કેમ કરવું ?! એ કળાનો ભરપૂર ઉપયોગ આ પ્રોજેક્ટમાં કરવામાં આવ્યો છે. આ સ્થળે શહેરનાં ઘન કચરાના ભંગારને વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ કરવામાં આવે છે એવી ડાહી ડાહી વાતો કોર્પોરેશન દ્વારા જેતે સમયે કરવામાં આવેલી અને કચરો પ્રોસેસ કરવાનાં આ પ્લાન્ટને પ્રોસેસિંગ ઓફ લીગેસી વેસ્ટ (ડમ્પ સાઈટ રેકલેમેશન) એવું રૂપાળું નામ આપવામાં આવ્યું છે.
જામ્યુકોએ જેતે સમયે એવું જાહેર કર્યું હતું કે, આ સ્થળે બાયો માઈનિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કચરો પ્રોસેસ કરવામાં આવશે. કોર્પોરેશનનાં ગાંધીનગર વિસ્તારમાં આવેલા વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટમાં શહેરનાં ઘન કચરા પૈકી જે કચરાની પ્રોસેસ કરી શકાતી નથી, એટલે કે જે કચરો સળગાવી શકાતો નથી તે કચરો ગુલાબનગરની આ ડમ્પ સાઈટ પર લઈ જવામાં આવે છે જ્યાં બાયો માઈનિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ કચરાનાં ભંગારને પ્રોસેસ કરવામાં આવે છે – એવું જામ્યુકોએ જેતે સમયે જાહેર કર્યું હતું.
જામ્યુકોમાં આ સંપૂર્ણ પ્રોજેક્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં અધિકારી દિપક શિંગાળા સંભાળે છે. પરંતુ તેઓ આ પ્રોજેક્ટ અંગેની સંવેદનશીલ અથવા શંકાસ્પદ બાબતો પ્રત્યે કશું બોલવા તૈયાર નથી ! કેમ ?! આ પ્રોજેક્ટ અંગે પૂછતાં, તેઓ પિતો ગુમાવી દે છે ! કેમ ? તેઓ આ પ્રોજેક્ટમાંથી કોઈ અંગત (ગેર)લાભ મેળવી રહ્યા છે ?! એવી પણ એક ચર્ચા છે ! અને, ચર્ચા તો ત્યાં સુધી છે કે, આ અધિકારી ઉપરાંત શાસક અને વિપક્ષનાં આંગળીનાં ટેરવે ગણાય તેટલાં નગરસેવકો પણ આ પ્રોજેક્ટમાં લાભાર્થી હોવાનું કહેવાય છે !? આ ચર્ચાને તપાસનાં એરણ પર ચકાસવામાં આવે તો, સોનું મેળવવાની દોડમાં પિતળ જેવાં કામો કોણ કરી રહ્યું છે ? તે પ્રશ્નનો જવાબ મેળવવો પણ અઘરો નથી, એમ જાણકારો માને છે !
જામ્યુકોએ આ પ્રોજેક્ટ જાહેર કર્યો ત્યારે કહેવાયું હતું કે આ પ્રોજેક્ટ રૂ.7.50 કરોડનો છે. આ પ્રોજેક્ટ વર્ષ 2022 નાં પ્રારંભે શરૂ થયો હતો. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં માત્ર રૂ.80.78 લાખનું જ કામ થયું છે. ટૂંકમાં, માત્ર વાતો જ કરવામાં આવી રહી છે અને ક્યાંક, કોઈક આ પ્રોજેક્ટનાં નામે આનંદ કરી રહ્યું છે, એ ચર્ચા સાચી હોય એવું સમજાઈ રહ્યું છે.