Mysamachar.in-મોરબી:
દેશના વિવિધ રાજ્યો, ખાસ કરીને પંજાબ અને હરિયાણા સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં ચિક્કાર શરાબ ઠલવાઈ રહ્યો છે. અચરજની વાત એ છે કે, લાખો રૂપિયાના શરાબના આ જથ્થા જેતે વિસ્તારની સ્થાનિક પોલીસ પકડી શકતી નથી પરંતુ ગાંધીનગરથી ત્રાટકતી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ આ શરાબની હેરફેર શોધી કાઢે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રકારના દરોડામાં શરાબના જે મોટા જથ્થા ઝડપાઈ રહ્યા છે એ પૈકી ઘણો ‘માલ’ જામનગર અથવા દેવભૂમિ દ્વારકા તરફ આવતો હોવાની વિગતો ચમકે છે. ખાસ કરીને ભાણવડ અને દરેડ પંથકના શખ્સોના નામો અવારનવાર ચમકે છે.

SMCની ટીમે માળિયા-જામનગર ધોરીમાર્ગ પરથી શરાબનો વિશાળ જથ્થો ઝડપી લીધો છે. આ શરાબની કુલ કિંમત રૂ. 92.69 લાખ જાહેર થઈ છે. જેમાં શરાબની 7,213 બોટલ જપ્ત કરવામાં આવી છે. આ સાથે જામનગર નજીકના દરેડના 2 શખ્સો ટ્રક ડ્રાઈવર ભાવેશ નાથા મોરી અને ક્લીનર લીલા ટપુ મોરીની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં દ્વારકાના રાણપર ગામના અરજણ આલા કોડીયાતર અને ટીંબડીના ભરત સોમા કોડીયાતર ઉર્ફે જિગો નામના શખ્સોના નામો સામે આવ્યા છે.
શરાબનો આ જથ્થો પંજાબથી આવી રહ્યો હતો. આથી પંજાબના 2 અજાણ્યા શખ્સો, દ્વારકા જિલ્લાના 2 શખ્સો અને દરેડના 2 શખ્સો સહિત કુલ 8 શખ્સો વિરુદ્ધ માળિયા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. જેમાં ટ્રક માલિકનું નામ પણ સામેલ છે. આ ટ્રકમાં 200 બોરી ભૂસાની હતી, જેની આડમાં આ શરાબની હેરાફેરી થઈ રહી હતી. SMCની ટીમે ગત્ મોડી રાત્રે આ ટ્રકને મોરબી જિલ્લાની હદમાં અટકાવી તલાશી લીધી હતી. આ તલાશી દરમ્યાન શરાબનો આ જથ્થો મળી આવ્યો. SMCની આ પ્રકારની કાર્યવાહીઓને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓની પોલીસ પર ‘દબાણ’ વધી રહ્યું છે અને કેટલાંક પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ પણ થઈ રહી છે.
