Mysamachar.in-સુરત:
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનું ચલણ એટલું બધું વધી ગયું છે કે, સમગ્ર રાજ્યમાં લાખો લોકો રાતદિવસ તેમાં રમમાણ રહેતાં હોય છે. અને, આ માધ્યમથી અનેક પ્રકારની છેતરપિંડીઓ થતી રહે છે, આ પ્રકારની છેતરપિંડીઓ જાહેર પણ થતી રહે છે. આમ છતાં, ઘણાં લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર જુદાં જુદાં પ્રકારની છેતરપિંડીઓનો ભોગ બનતાં જ રહે છે. વિવિધ પ્રકારની લાલચો, ખાસ કરીને વિજાતીય પાત્ર સાથેની આવી દોસ્તી ઘણાં કિસ્સાઓમાં છેતરપિંડીઓનું કારણ બની શકતી હોય છે, આવો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.
અમદાવાદ અને મુંબઈની બે અલગઅલગ વ્યક્તિએ સુરતના કામરેજ પોલીસ મથકમાં છેતરપિંડીઓની બે ફરિયાદ નોંધાવી હતી. આ બંને વ્યક્તિ હનીટ્રેપનો ભોગ બની હતી. આ ફરિયાદની તપાસના અંતે પોલીસે એક યુવતી અને ત્રણ શખ્સોને ઝડપી લીધાં છે. ફરિયાદ કહે છે, આ યુવતી શિકાર ફસાવતી અને બાદમાં ત્રણ શખ્સો દમદાટી આપી, બ્લેકમેલ કરી શિકાર પાસેથી નાણાં પડાવતા.
આ યુવતી ફેસબુક પર શિકાર શોધી તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતી. બાદમાં શિકાર સાથે મીઠી મીઠી વાતો કરી, વોટ્સએપ નંબર પણ મેળવી લેતી. અને, બાદમાં આ શિકારને જાળમાં ફસાવી નિયત જગ્યાએ બોલાવતી. બાદમાં પૂર્વયોજિત કાવતરાં પ્રમાણે, આ નિયત જગ્યાએ પેલા 3 શખ્સો આવી ચડતાં. શિકારને મારકૂટ પણ કરતાં. યુવતી અને એ શિકારના ચોક્કસ અવસ્થામાં ફોટા પાડી, બાદમાં શિકારને બ્લેકમેલ કરતાં.
કામરેજ પોલીસે આ બંને ફરિયાદના આધારે, બે મોબાઇલ નંબર મેળવી, તપાસ શરૂ કરી. એક નંબર બંધ હતો. બીજા નંબરનું લોકેશન મેળવવામાં આવ્યું. આ લોકેશનના આધારે પોલીસે કામરેજ તાલુકાના નનસાડ જવાના માર્ગ પર આવેલી એક સોસાયટીમાંથી આ યુવતી અને તેની સાથેના 3 શખ્સોને ઝડપી લીધાં છે. આ 3 પૈકી એક શખ્સ એવો છે જે અગાઉ કચ્છના એક અપહરણ મામલામાં પોલીસના હાથમાં ઝડપાઈ ગયેલો. આ ગેંગના કબજામાંથી સોનાના બે ચેન, રૂ. 27,000 રોકડા અને 4 મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે.(symbolic image source:google)