Mysamachar.in-ગાંધીનગર:
થોડાં દિવસ અગાઉ ઉત્તરાખંડ રાજ્યએ, દેશમાં પ્રથમ વખત, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત કર્યા બાદ આજે બપોરે ગુજરાત સરકારે પણ રાજ્યમાં UCC દાખલ કરવા કમિટીની રચનાની જાહેરાત કરી. આ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ ગુજરાત સરકાર આ અંગે યોગ્ય નિર્ણયની જાહેરાત કરશે, એમ આજે પત્રકાર પરિષદમાં CMએ જાહેર કર્યું.
આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને જાહેરાત કરી હતી કે, રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા કાયદાનો મુસદ્દો બનાવવાની કામગીરીઓ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી આગામી દોઢ માસની અંદર એક રિપોર્ટ તૈયાર કરશે, જેમાં જણાવવામાં આવશે કે, રાજ્યમાં UCC કેવી રીતે લાગુ કરી શકાય. આ રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકાર યુસીસી સંબંધે જાહેરાત કરશે. આ પત્રકાર પરિષદમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કમિટીની રચના સુપ્રિમ કોર્ટના નિવૃત જજ રંજના દેસાઈના વડપણ હેઠળ કામ કરશે. કમિટીમાં અન્ય સભ્યો તરીકે વરિષ્ઠ નિવૃત IAS સી.એલ.મીના, એડવોકેટ આર.સી.કોડેકર, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેસ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા સૌનું પથદર્શન કરતું આવ્યું છે. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક્ક મળી રહે તે માટે આગળ વધી રહી છે. આ યુસીસીની રચનામાં આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે, એમ પણ મુખ્યમંત્રીએ કહ્યું.(file image)