Mysamachar.in-અમદાવાદ:
કાળઝાળ ઉનાળાની અસરો તળે પરસેવો છોડાવી દેતી ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે, બરાબર આ જ સમયે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસી રહ્યો હોય, વાતાવરણ વિચિત્ર અનુભવાઈ રહ્યું છે. આ સ્થિતિઓ વચ્ચે, હવામાન વિભાગે આજે પણ ફરીથી વરસાદ અને ભારે પવનની આગાહી આપી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24/36 કલાકથી જામનગર શહેર અને જિલ્લામાં નોંધપાત્ર ગતિ સાથેનો પવન ફૂંકાઈ રહ્યો છે. બીજી તરફ ગરમ વાતાવરણ છતાં આસપાસના વરસાદી વાતાવરણને કારણે ભેજના પ્રમાણની અસરોથી લોકો ભારે બફારો અને અકળામણ અનુભવી રહ્યા છે.

આ પ્રકારની સ્થિતિઓ સાથે જ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વિભાગના કથન મુજબ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આસપાસ હાઈપ્રેશર હવામાનની કારણે ગુજરાત એન્ટિ સાયકલોનિક સરકયુલેશનનો અનુભવ કરી રહ્યું છે. આ પ્રકારની સ્થિતિઓમાં વાતાવરણના ઉપલા સ્તરના એકદમ ગરમ પવનો સીધા જ નીચે આવી જતાં હોય છે. આ સિસ્ટમ વરસાદ પણ લાવી શકે.
હવામાન વિભાગ કહે છે: આજે સોમવારે 24 કલાક દરમિયાન ગાંધીનગર અને અમદાવાદ સહિતના મધ્ય ગુજરાત, પાટણ અને મહેસાણા સહિતના ઉતર ગુજરાત તથા નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાત ઉપરાંત જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં સામાન્યથી માંડીને મધ્યમ સુધીનો વરસાદ અને હળવાથી માંડીને ભારે સુધીના ગરમ પવનો ફૂંકાઈ શકે છે. આજે ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન ગરમીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કાલે રવિવારે બપોરે ગરમી વધી હતી અને મહત્તમ તાપમાનનો પારો 40 તરફ ગતિમાન થતાં, 38 ડિગ્રીવાળું તાપમાન 39 ડિગ્રી નોંધાવા પામ્યું હતું.
