Mysamachar.in:જામનગર:
પૌરાણિક સાહિત્યમાં સૌ રાક્ષસના વર્ણન વાંચતા હોય છે, આ પ્રકારના ભયાનક રાક્ષસો આપણી આસપાસ પણ કયાંક વસતાં હોય છે ! આવો એક રાક્ષસ જામનગરમાં હોવાનું જાહેર થયું છે ! તેનાં માથાં પર બિહામણાં શિંગડા નથી, તેણે ખોપડીઓનો હાર નથી પહેર્યો પરંતુ તેણે શૈતાનિયતની જે ચરમસીમાઓ દેખાડી છે અને એક માસૂમ બાળાને તેણે જે રીતે મરણતોલ માર માર્યો છે તે બાળાની અતિ ગંભીર હાલત જોતાં સમજી શકાય કે, આ શખ્સ માણસ નથી, માણસના રુપમાં રાક્ષસ છે ! અતિ ગંભીર રીતે ઘવાયેલી આ માસૂમ હાલ હોસ્પિટલમાં વેન્ટલેટર પર છે અને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે !!
આ ઘટનાને કારણે સમગ્ર શહેર અને પંથકમાં હાહાકાર મચી ગયો છે અને સૌ કોઇ આ નરાધમ પર ફીટકાર વરસાવી રહ્યા છે. આ શખ્સનું નામ પોલીસ ચોપડા મુજબ, વિરેન જાનકીદાસ રામાવત છે, જે શહેરના ગાંધીનગર વિસ્તારમાં મેઈન રોડ પર હનુમંત કૃપા નામના મકાનમાં રહે છે. આ મકાન શંકરના મંદિર પાસે છે, જે આ રાક્ષસનું રહેઠાણ છે.
અગાઉ પટેલકોલોની 6/4 માં રહેતી અને હાલ ઢીંચડા રોડ પર તિરુપતિ પાર્ક ખાતે રહેતી 26 વર્ષની પરણિતા સરવરી રવિભાઈ રમેશભાઈ પાનસુરિયાએ પોલીસમાં જાહેર કર્યું છે કે, તેણી અને આ શખ્સ ( વિરેન નામનો શયતાન) વચ્ચે પ્રેમ સંબંધ છે અને આ શખ્સ આ ફરિયાદી પરણિતા સાથે જિંદગી જીવવા ઈચ્છતો હતો પરંતુ આ ફરિયાદીની પાંચ વર્ષની માસૂમ પુત્રીને સાથે રાખવા ઈચ્છતો ન હતો. આ મુદ્દે બંને વચ્ચે મતભેદો હતાં તે દરમિયાન આરોપીને આ બાળકી પ્રેમ સંબંધમાં આડખીલીરુપ જણાતાં, આ માસૂમનો જીવ લઈ લેવા આ રાક્ષસે માસૂમ બાળાને પેટ તથા છાતી વચ્ચે ખતરનાક બટકું ભર્યું અને વેલણ વડે આ માસૂમને માથાં પર, મુખ પર અને હાથો પર એટલી ક્રૂર હદે માર માર્યો કે,
આ માસૂમ અત્યારે હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે !! માસૂમને બાળક માટેના ICUમાં સારવાર આપવામાં આવી રહી છે અને આ નરાધમ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો સાથે માસૂમની માતાએ ફરિયાદ દાખલ કરાવતાં, આ લવ સ્ટોરીમાં ભયંકર અને માસૂમ માટે જિવલેણ વળાંક આવ્યો છે. પોલીસે આ શયતાનને પકડી લીધો છે અને આ રાક્ષસની હાલ આકરી પૂછપરછ ચાલી રહી છે.
શહેરના પટેલકોલોની, ગાંધીનગર અને તિરુપતિ પાર્ક સહિતના વિસ્તાર ઉપરાંત સમગ્ર શહેરમાં આ રાક્ષસ વિરુદ્ધ ચોમેરથી ફીટકાર વરસી રહ્યો છે. પ્રેમ અને શરીરભૂખ માણસને શૈતાનિયતની આ પ્રકારની ચરમસીમાઓ સુધી લઈ જઈ શકે છે અને પરણીતા સાથેના સંબંધમાં આડખીલીરુપ માસૂમ સાથે કોઈ રાક્ષસ આ પ્રકારની ક્રૂરતા પણ આચરી શકે એ જાણીને સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે.