Mysamachar.in-સુરતઃ
કોઇએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે સ્વામીનારાયણ મંદિરમાં કોઇ ગેરકાનુની કામ થતું હશે. પણ આ વાસ્તવિક્તા છે કે ધર્મ અને સાધુની આડમાં ડુપ્લિકેટ ચલણી નોટ છાપવાનું કારખાનું ધમધમી રહ્યું હતું. પોલીસે એક વ્યક્તિની ધરપકડ બાદ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી ક્યાંથી, કેવી રીતે અને કોણ કોણ આ રેકેટમાં જોડાયેલું છે તેનો ગણતરીની કલાકોમાં જ પર્દાફાશ કરી નાખ્યો. એમાં પણ સૌથી ચર્ચાસ્પદ નામ ખુલ્યુ ખેડાના અંબાવ ગામમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં રહેતા સ્વામી રાધારમણ, જે મંદિરની પવિત્ર જગ્યામાં અપવિત્ર કામ કરતો હતો. કોઇને શંકા ન જાય તે માટે આ ટોળકી સરળતાથી રૂપિયા 2000ની ચલણી નોટ છાપતાં અને મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ નોટ બજારમાં ફરતી કરવાનું આ ટોળકીનું લક્ષ્ય હતું. પોલીસે હાલ સાધુ સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે હજુ એક વ્યક્તિ ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સુરતમાં ક્રાઇમ બ્રાંચની ટીમે કામરેજ મેઇન રોડ નજીક સ્કોડા કાર લઇને પસાર થઇ રહેલા 19 વર્ષિય પ્રતિક દિલીપ ચોડવડિયાને રોક્યો હતો, ત્યારબાદ પોલીસે કારનું ચેકિંગ કરતાં તેમાંથી 2000ના દરની 203 નંગ નોટ કિંમત 4.06 લાખ, મોબાઇલ ફોન મળી આવ્યા. બાદમાં દિલીપની આકરીઢબે પૂછપરછ કરતાં તેણે જે હકીકત જણાવી તે જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસમાં બહાર આવ્યું કે ખેડા જિલ્લાનાં અંબાવ ગામના સ્વામીનારાયણ મંદિર પરિસરમાં રહેતા સ્વામી રાધારમણની રૂમમાં પ્રવિણ જેરામ ચોપડા અને તેના પુત્ર કાળુ પ્રવિણ ચોપડા, મોહન માધવ વાઘુરડે સાથે મળી મંદિરમાં જ નકલી નોટ છાપતાં હતા.પોલીસે મંદિરમાં જ્યાં સ્વામી રાધારમણ રહેતો હતો ત્યાંથી કલર પ્રિન્ટર અને સ્કેનર ઉપરાંત કાગળો મળી આવ્યા હતા. તો ઝડપાયેલા આરોપીમાંથી પ્રવીણ ચોપડા નામના આરોપીની અગાઉ ડુપ્લીકેટ નોટ મામલે 10 ગુનાઓ સંડોવણી ખુલી છે.
પોલીસે અત્યારસુધીમાં તમામ આરોપીઓ પાસેથી રૂપિયા એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, તો તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ ચલણી નોટને સ્કેન કરી તેની કલર પ્રિન્ટ કરતાં હતા અને બાદમાં બજારમાં ઘુસાડવા માટે એકબીજા વહેંચણી કરી લેતા હતા. જો કે નવરાત્રી દરમિયાન શરૂ થયેલા આ કારસ્તાનમાં એક કરોડ રૂપિયાથી વધુની નોટ બજારમાં ઘુસાડવાનો પ્લાન હતો, જેમાંથી 50 લાખનો ફાયદો થશે તેવું આરોપીઓનું માનવું હતું પરંતુ અત્યારસુધીમાં માત્ર પાંચ જ ચલણી નોટ બજારમાં ફરતી કરી શક્યા હતા.