Mysamachar.in-નર્મદા:
વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના સામુહિક ચિંતન મંથન માટે દેશની સૌ પ્રથમ એવી રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની દ્વિ-દિવસીય પરિષદ સ્ટેચ્યુ ઓફ યુનિટી- એકતાનગર ટેન્ટસીટી ખાતે યોજાઇ હતી, દેશના વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના રમત-ગમત મંત્રીઓ, રમત-ગમતના સચિવઓ અને ભારત સરકારના સંબંધિત મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ આ પરિષદમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે કેન્દ્રીય રમત-ગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ સિંહ ઠાકુર, કેન્દ્રીય રમત-ગમત રાજ્યમંત્રી નિશિથ પ્રમાણિક તેમજ ગુજરાતના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વગેરેની ઉપસ્થિતિમાં આ પરિષદમાં જોડાયા હતા.ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાનના દિશા-દર્શનમાં ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, આંતરાષ્ટ્રીય યોગ દિવસ જેવા નવતર અભિગમ અપનાવ્યા છે.તેનાથી દેશમાં રમત-ગમત અને ફિટનેશ પ્રત્યેની એક આખી નવી જ લહેર ઉભી થઇ છે..ખેલાડીઓને અદ્યતન તાલીમથી સજ્જ થઇ વિશ્વ કક્ષાની રમતોમાં ઉજ્જવળ દેખાવ માટેની તકો પ્રાપ્ત થઇ છે.
તાજેતરમાં ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી પણ લોન્ચ કરી છે આ ક્ષેત્રમાં વિકાસના આગામી તબક્કાઓમાં આ પોલિસી માર્ગદર્શન આપશે.સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું એક સક્ષમ માધ્યમ બની છે અને સ્પોર્ટસ કારકીર્દી નિર્માણનું ક્ષેત્ર પણ બની છે. ગુજરાતમાં રમતગમતના લેન્ડસ્કેપના દરેક માળખાને સ્પર્શવા અને વાચા આપવા માટેના તમામ પ્રયાસો અમે કરી રહ્યા છીએ,એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
દેશના દરેક રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો પોતાનો અલગ, વૈવિધ્યસભર ખેલકૂદ વારસો, પારંપારિક રમતોની વિરાસત ધરાવે છે.વર્તમાન સમયની અદ્યતન ટેક્નોલોજી સાથે જોડીને તેને સમયાનુકુલ ઓપ આપવાની જરૂરિયાત છે.આ પરિષદનું સામૂહિક વિચાર-મંથન એ દિશામાં ઉત્તમ પ્લેટફોર્મ બનશે. ખેલાડીઓ, કોચ, ટ્રેનર્સ અને અન્ય લોકોને તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ માટે વૈજ્ઞાનિક રીતે તાલીમ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂર છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું
આ પ્રસંગે કેન્દ્રીય રમત-ગમત રાજ્યમંત્રીનિશિથ પ્રમાણિકે જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેન્દ્રના ખેલકુદ અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા દેશની યુવા શક્તિ જોડીને મજબુત રાષ્ટ્રના નિર્માણમાં તેમનું યોગદાન વધારી યંગ ઇન્ડિયામાંથી સ્પોર્ટીંગ ઇન્ડિયામાં બદલાવ થાય તેવા સુચનો ગઇકાલના વિચાર મંથનમાં રજુ થયા હતા. જે ભવિષ્યમાં ખેલકુદ ક્ષેત્રે સમગ્ર ભારતમાં જરૂરી બદલાવ માટે ઉપયોગી બની રહેશે.તેમણે યુવાનોમાં રહેલી શક્તિઓને ખીલવવા માટે નહેરુ યુવા કેન્દ્ર, એન.એસ.એસ વગેરે જેવી સંસ્થાઓ દ્વારા થયેલી કામગીરીની આંકાડાકીય વિગતો રજુ કરી હતી.