Mysamachar.in-દાહોદ:
દાહોદ શહેર નજીક દાહોદ-ગોધરા હાઇવે ઉપર ગત સાંજના સમયે અકસ્માતની એક ઘટના સામે આવી છે,જેમાં ઉડીસાથી સળિયા ભરીને મુંદ્રા જઇ રહેલી ટ્રક હંકારતા પંજાબના અમૃતસરના ચાલક બલવીરસિંહને ડીઝલ ભરાવવુ હતું. ત્યારે સાંજના અરસામાં રામપુરા ગામે ડીઝલ પંપે જવા માટે તે ટ્રકનો યુટર્ન મારી રહ્યો હતો. તે વખતે લીમખેડાથી હાઇડ્રોજન ગેસના ખાલી બોટલ ભરેલી પુરપાટ આવતી ટ્રકનો ચાલક કાબૂ નહીં કરી શકતાં તેણે સળિયા ભરેલી ટ્રકના કેબિનને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કરથી કેબીન ટ્રકથી જુદુ થઇ ગયુ હતું.
ટક્કર વાગતા જ ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. કેબીનની નીચે ફસાયેલો બલવીંરસિંહ બહાર નીકળી નહીં શકતાં તે અંદર જ જીવતો ભડથુ થયો હતો. તાલુકા પોલીસ અને ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે જઇને પરીસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ફાયરે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.જો કે અકસ્માતને પગલે હાઇવે ઉપર બંને તરફનો ટ્રાફિક રોકી દેવામાં આવતાં વાહનોની બંને તરફ પાંચ-પાંચ કિમી લાંબી કતારો લાગી ગઇ હતી.