Mysamachar.in:અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ગુનાઓ સહિતના ગુનાઓમાં મોબાઈલ સીમકાર્ડનો દુરુપયોગ આમ જૂઓ તો નવી વાત નથી, આ ક્ષેત્રમાં ઘણાં પ્રકારના કુંડાળાઓ ચાલતાં રહેતાં હોય છે, અમુક સમયે અમુક વેપારીઓ વિરુદ્ધ વિવિધ કારણોસર કાર્યવાહીઓ પણ હાથ ધરવામાં આવતી હોય છે. આ પ્રકારના કેટલાંક આંકડાઓ જાહેર થયા છે. કેટલાંક શખ્સો જેલોમાં પણ સીમકાર્ડ પહોંચાડી દેતાં હોય છે, જે સમયાંતરે બહાર આવે છે પરંતુ તમામ જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીઓ થતી નથી, દેખાવ પૂરતી તપાસ થતી રહે છે.
ગુજરાતમાં 10,296 મોબાઈલ હેન્ડસેટના IMEI નંબર બ્લોક કરવામાં આવ્યા છે. કુલ 6.76 લાખ સીમકાર્ડ ડીસકનેકટ કરવામાં આવ્યા છે. 40 PoS સીમકાર્ડ સેલર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. આવા 132 વેપારીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. દેશભરમાં આવી કાર્યવાહીઓ થઈ છે, આંકડાઓ અનુસાર આ ક્ષેત્રમાં મોટી ગેરરીતિઓ અને અનિયમિતતાઓ જોવા મળે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સીમકાર્ડના ઘણાં વેપારીઓ એક જ નામ અને ફોટોધારકને સંખ્યાબંધ સીમકાર્ડ વેચી રહ્યા છે. એક જ નામ પર ઘણાં બધાં સીમકાર્ડ ધરાવતાં શખ્સો ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા મળી આવ્યા છે.
આ ક્ષેત્રના ગુનાહિત તત્વોને ઝડપી લેવા માટે AIની મદદ પણ લેવામાં આવી રહી છે. પૂનાની સી-ડેક એજન્સી ફેસિયલ રેકગ્નિશન સહિતની પ્રક્રિયાઓ મારફતે આવા તત્વોને દેશભરમાંથી શોધી રહી છે. ઘણાં એસએમએસ હેડર પણ બ્લોક કરવામાં આવ્યા છે. આ હેડરનો ઉપયોગ લોન અને ગેમિંગ માટેના મેસેજ મોકલવા અને આવા મેસેજ મારફતે સાયબર ગુનાઓ આચરવા માટે થતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું.(symbolic image source:google)