Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના ગૃહવિભાગે પરિપત્રના માધ્યમથી એક નવો નિર્ણય જાહેર કર્યો છે, જેમાં કહેવાયું છે કે- રાજ્ય સરકારના કોઈ પણ અધિકારીઓ કે કર્મચારીઓ વિરુદ્ધ સીધી જ પોલીસ ફરિયાદ દાખલ થઈ શકશે નહીં. પ્રથમ પોલીસ વિભાગ આ ફરિયાદની તપાસ અને ચકાસણીઓ કરશે, ત્યારબાદ પોલીસને એમ જણાશે કે, ગુનો બને છે તો જ આ મામલામાં FIR દાખલ કરવામાં આવશે.
સરકાર એમ માને છે કે, ઘણાં કિસ્સાઓમાં અંગત અદાવત અથવા અધિકારીઓને ડરાવવા-ધમકાવવા ખોટી ફરિયાદો થતી હોય છે. ઘણાં કિસ્સાઓમાં અધિકારીઓને પાયાવિહોણી ફરિયાદોના આધારે હેરાન કરવામાં આવતાં હોય છે. જ્યારે કોઈ અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ થઈ હોય છે ત્યારે, મીડિયા કે અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર આ ફરિયાદ જાહેર થતી હોય છે, જે અધિકારી-કર્મચારીના મોરલ પર નકારાત્મક અસર ઉભી કરે છે.
સરકાર એમ પણ માને છે કે, આવી ફરિયાદોના ડરથી અધિકારીઓ અને કર્મચારીઓ નિરપેક્ષપણે અને આત્મવિશ્વાસથી ફરજો બજાવી શકતા નથી. જેના કારણે સરકારી કામકાજોમાં ઉદાસીનતા જોવા મળે છે. ખોટી ફરિયાદને કારણે પ્રમાણિક અધિકારી-કર્મચારીની છબિ ખરડાય છે. આથી તેઓ દબાણ હેઠળ કામ કરે છે, સરકાર કહે છે: આ પરિપત્રથી અધિકારીઓ અને કર્મચારીઓમાં સુરક્ષાનું વાતાવરણ ઉભું થઈ શકશે.(file image)


























































