Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું પીપળી ગામ દાયકાઓથી દેશી દારૂના ધંધા માટે કુખ્યાત છે. દારુ બનાવવો અહીંનો ગૃહઉદ્યોગ છે ! પોલીસ અહીંના નકશાઓ જાણે છે. આ ગામમાં કેટલાંક કહેવાતા પત્રકારો દારૂના ધંધાર્થીઓ પાસે હપ્તો ઉઘરાવવા ગયા અને ઝડપાઈ ગયા. પીપળી ગામના એક ફરિયાદીએ આ મતલબની ફરિયાદ લાલપુર પોલીસમાં નોંધાવી છે. લાલપુર પોલીસમાં પીપળી ગામના ભોળાભાઈ (ભોલુ) રામદેભાઈ ગોદાણી જાતે ચારણએ બુધવારે રાત્રે પોણા નવ વાગ્યા આસપાસ આ ફરિયાદ દાખલ કરાવી. ભોલુભાઈએ ફરિયાદમાં લખાવ્યું છે કે, બુધવારે બપોરે સાડા ત્રણ આસપાસ રિલાયન્સ કંપનીના એલસી-08 નંબરના ગેઈટની સામે આવેલી માર્કેટમાં, પાનની એક દુકાનથી થોડે દૂર આ ગુનો બન્યો હતો.
ફરિયાદી ભોલુભાઈ કહે છે: આ ગુનાના આરોપીઓ ઈકો વાહન નંબર GJ-37-B-9723 માં બનાવ સ્થળે આવ્યા હતાં. આરોપીઓની સંખ્યા ચાર હતી. આ શખ્સોએ ફરિયાદી ભોલુભાઈને બોલાવીને કહેલું કે, તું અહીં દેશી દારુનુ વેચાણ કરે છે અને કોને કોને હપ્તા આપે છે, બોલ ? ભોલુભાઈએ ભોળાભાવે કહ્યું: હું દેશી દારુનુ વેચાણ કરતો નથી અને કોઈને હપ્તા આપતો નથી.
બાદમાં આ શખ્સોએ ફરિયાદીને બળજબરીથી ઈકો વાહનમાં બેસાડી, ફરિયાદીના હાથમાં સફેદ રંગની એક પારદર્શક કોથળી પકડાવી, જેમાં પ્રવાહી ભરેલું હતું. અને ભોલુભાઈનો આ સ્થિતિમાં મોબાઇલ ફોનમાં વિડીયો બનાવી લેવામાં આવ્યો, એવું ફરિયાદીએ પોલીસને કહ્યું. બાદમાં, આરોપીઓએ ભોલુભાઈને કહ્યું, અમને દસ હજાર રૂપિયા આપ,અમે પત્રકારો છીએ, તને હેરાન કરીશું. ભોલુભાઈએ રૂપિયા આપવાની ના પાડતાં તેમને ફડાકાઓ ખેંચી લેવામાં આવ્યા અને અપશબ્દો કહેવામાં આવ્યા. ભોલુભાઈ પાસેથી રૂપિયા મેળવવા ભોલુભાઈનું ઈકો વાહનમાં અપહરણ કરવામાં આવ્યું અને ભોલુભાઈને જામનગર આવી મુક્ત કરી દેવામાં આવ્યા, એવું ભોલુભાઈએ પોલીસ સમક્ષની કેફિયતમાં લખાવ્યું છે.
લાલપુર પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ આઈપીસીની કલમો 323,365,385,114 અને 504 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓના નામો: પ્રવિણ કરશનભાઈ પરમાર, દર્પણ ન્યૂઝ, રહે. ખંભાળિયા, સોમા પેથાભાઈ મહેશ્વરી, રહે. ખંભાળિયા અને દિવ્યરાજસિંહ જાડેજા, રહે. ખીજદળ, તા. કલ્યાણપુર અને ચોથો શખ્સ પકડવાનો બાકી છે તેનું નામ મુન્નો કેશુભાઈ સિંધવ, રહે. સિકકા. આ ગુનાની તપાસ લાલપુર પીએસઆઇ એમ.એન.જાડેજા ચલાવે છે.