mysamachar.in-જામનગર
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ગાયોની સેવા કરતી ગૌશાળામાં જ પશુઓને નિર્દયતાથી ટ્રકોમાં ભરી અન્યત્ર ખસેડવામાં આવી રહ્યાનો ઘટસ્ફોટ મોરબીના જીવદયાપ્રેમીઓ દ્વારા કરવામાં આવ્યો છે,
ધ્રોલ પોલીસ મથકમાં નોંધાયેલ વિગતો મુજબ ટંકારા-લતીપર હાઇવે ઉપર આવેલી ગૌશાળામાંથી પાંચ ટ્રક ભરીને ગૌવંશને અન્યત્ર મોકલવામાં આવનાર હોવાની સચોટ બાતમી જીવદયા પ્રેમી અનિલભાઈ ઉર્ફે દેવભાઈ વિનુભાઈ બોરાણા, રે.ચોટીલાવાળા મોરબી હતા ત્યારે મળતા તેમના ગ્રુપના કમલેશભાઈ ભગવાનભાઈ, મિલનભાઈ સોલંકી, વિજયસિંહ ઝાલા, પાર્થભાઈ નેસડીયા વગેરે લોકો લતીપર ચોકડીએ એકઠા થયા હતા અને તાત્કાલિક બાતમી વાળી જગ્યાએ એટલે કે લતીપરની ગૌશાળાએ પહોંચ્યા હતા જ્યાં તાલપત્રી બાંધેલા જુદા – જુદા ટ્રકમાં ગૌવંશ ભર્યા હોવાનું જણાઈ આવતા તાત્કાલિક ધ્રોલ પોલીસને બોલાવી પંચનામું કરાવતા એક ટ્રકમાં ૮ – ૮ પશુઓ મળી કુલ ૪૦ ઘણખૂટને ક્રૂરતા પૂર્વક બાંધી રાજકોટ લઈ જવામા આવનાર હોવાનું ખુલ્યું હતું,ગૌશાળામાંથી ગૌવંશને આટલી ક્રૂરતા થી બાંધીને રાજકોટ શા માટે ધકેલવાના હતા તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહયાનું ધ્રોલ પીએસઆઈ ગઢવી એ જણાવ્યું હતું , આ મામલે ધ્રોલ પોલીસે ૪૦ ધણખૂટ જેની કિંમત પ્રત્યેકના રૂપિયા ૫ હજાર ગણી રૂપિયા ૨,૦૦,૦૦૦ ને પાંચ ટ્રક કિ.૨૨,૫૦,૦૦૦ ગણી મુદામાલ જપ્ત કરી અબોલ પશુઓને રાજકોટ મહાજન પાંજરાપોળ ખાતે મોકલવાની વ્યવસ્થા ગોઠવી હતી,
જ્યારે બીજી તરફ આ મામલે લતીપર ગૌશાળાના સંચાલક અને જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ગણેશ મુંગરા,જગા જેઠારામાણી,હસમુખરામાણી,ભગવત રામાણી,સંજય પટેલ અને લતીપરના સરપંચ લાલજીભાઈ વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણુ આચરવા અંગે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.