Mysamachar.in-અમદાવાદ:
આજના જમાનામાં વિશ્વાસઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. ભરોસો મોંઘો પડી રહ્યો છે, અને લોકો સાથે ખાસ કરીને વેપારીઓ સાથે છેતરપિંડીઓ વધી રહી છે. જો કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં છેતરપિંડીઓ ઓછી છે પણ અગાઉ કરતાં વધી રહી છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા વર્ષ 2023નો આર્થિક ગુનાઓ અંગેનો રિપોર્ટ જાહેર થયો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઠગાઈની ઘટનાઓ વધી રહી હોય વેપારી આલમમાં ચિંતાઓ છે. વર્ષ 2021 અને 2022 ની સરખામણીએ વર્ષ 2023માં ગુજરાતમાં છેતરપિંડીઓના વધુ ગુનાઓ દાખલ થયા, જેનો આંકડો 4,912 છે જે અગાઉની સરખામણીએ 1,242 ગુના વધુ છે.
આર્થિક ગુનાઓમાં બીજી એક બાબત એ છે કે, આરોપીઓને આસાનીથી જામીન મળી જતાં હોય આરોપીઓ પર ધાક નથી અને છેતરપિંડીઓ સંબંધિત અરજીઓ અને કેસોમાં તપાસો લાંબા સમય સુધી ચાલતી રહે છે જેથી ફરિયાદીની માનસિક શાંતિ હણાય છે. આ ઉપરાંત કાયદામાં આર્થિક ગુનાઓના આરોપીઓ માટે સજા પણ ખાસ કડક નથી. છેતરપિંડીઓની રકમની દ્રષ્ટિએ જોઈએ તો, સૌથી વધુ ગુનાઓ 1 લાખથી માંડીને 10 લાખ સુધીની છેતરપિંડીઓ, વિશ્વાસઘાત વધુ નોંધાઈ રહ્યા છે. 1 થી 10 કરોડ અને 10 કરોડથી 25 કરોડ સુધીની છેતરપિંડીઓના ગુનાઓ પણ નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છે.