Mysamachar.in-અમદાવાદ:
ગૂગલ સહિતની જાયન્ટ ટેક કંપનીઓ ઘણી વખત મનમાની ચલાવતી હોય છે અને ઘણી વખત સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પરના કન્ટેન્ટનું અર્થઘટન પોતાની રીતે, મિકેનિકલી કરી લઈ ગૂગલ એકાઉન્ટ ધારકો માટે પરેશાનીઓ સર્જતી હોય છે, આવા એક કેસમાં ગુજરાતની વડી અદાલત એક એકાઉન્ટ ધારકની વહારે આવી છે અને ગૂગલને નોટિસ ફટકારી જવાબ દાખલ કરવા હુકમ કર્યો છે.
આ મામલામાં નીલ શુકલા નામના એક યૂઝરનું એકાઉન્ટ ગૂગલે બ્લોક કરી દીધેલું છે. 24 વર્ષનો આ યુવક ઘરમાં પોતાના જૂના ફોટાઓ જોઈ રહ્યો હતો, તે દરમિયાન તેણે, પોતાના જૂના ફોટાઓ પૈકી બાળપણના કેટલાંક ફોટાઓ પસંદ કરી, સ્કેન કરી લીધાં અને ગૂગલ ડ્રાઇવ પર રાખી દીધાં, જેથી આ ફોટાઓ હાથવગા રહે.
પરંતુ આ યુવાન માટે આ ફોટાઓએ મુશ્કેલીઓ ઉભી કરી. એક દિવસ અચાનક તેનું ગૂગલ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું અને તેના પર ગૂગલે ચાઈલ્ડ પોર્નનો આરોપ લગાવ્યો. બાદમાં તેને ખ્યાલ આવ્યો કે, તેણે ડ્રાઇવ પર રાખેલાં ફોટાઓ પૈકી એક ફોટો તેના બાળપણનો હતો, જેમાં તેના શરીર પર વસ્ત્ર ન હતાં અને તેના દાદીમા તેને સ્નાન કરાવી રહ્યા હતાં. ગૂગલે આ ફોટાને ચાઈલ્ડ પોર્ન કેટેગરીમાં મૂકી દીધો. આ યુવકનું એકાઉન્ટ હાલ બ્લોક હોય, આ યુવક વડી અદાલતમાં પહોંચ્યો છે.
વડી અદાલતે આ કેસમાં રાજય સરકાર, કેન્દ્ર સરકાર અને ગૂગલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને નોટિસ મોકલી છે. આ યુવક કહે છે: AIને કારણે આમ બન્યું હોય શકે છે, ગૂગલ AIના પ્રયોગો કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગૂગલના AI આધારિત ઘણાં પ્રયોગોમાં વિવાદાસ્પદ પરિણામો મળી રહ્યા છે.
એકાઉન્ટ બ્લોક થતાં આ યુવાન હાલ પોતાના ઈ-મેઈલને પણ ઓપરેટ ન કરી શકતો હોય તેના બિઝનેસને પણ અસર થઈ છે. ગૂગલના ફેસલેસ ફરિયાદ નિવારણ વિભાગમાં પણ આ યુવાનની સમસ્યાનો અંત આવ્યો ન હતો. તેથી તેણે ગુજરાત પોલીસ, કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ અધિકારીઓ ચૂપ રહ્યા. આખરે આ યુવકે વડી અદાલતનું શરણ લીધું. આ યુવક ગત્ એપ્રિલથી આ મુદ્દે પરેશાન છે. આ મામલામાં હાઇકોર્ટે ગૂગલને નોટિસ મોકલાવી આગામી 26મી માર્ચ સુધીમાં જવાબ આપવા કહ્યું છે.