Mysamachar.in-જામનગર:
દિવાળીનો તહેવાર રંગેચંગે પૂર્ણ થયો સૌએ પોત-પોતાની રીતે આ તહેવારોની ઉજવણી પરિવારો સાથે કરી સરકારી કર્મચારીઓને પણ આ વખતે જલસો પડી ગયો કારણ કે સળંગ એક સપ્તાહની રજાએ મોજ કરાવી દીધી આ તમામ વચ્ચે હવે તહેવારોના પર્વ પૂર્ણ થયા અને રાજકારણના પર્વ શરુ થશે કારણ કે જામનગર મહાનગરપાલિકા અને જામનગર જીલ્લા પંચાયત સહીત રાજ્યની સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ હવે નજીક છે ત્યારે કોણ કપાશે અને કોણ રીપીટ થશે તેને લઈને રાજકીય ગલીયારામાં ચર્ચાઓ તેજ થઇ છે.
જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ અને 64 કોર્પોરેટરોને લાગેવળગે છે ત્યાં સુધી સૌ મનોમંથનમાં પડ્યા છે કે આપણે કપાઈ જશું તો..??? કારણ કે કામ કરે તેવા તો જુજ છે બાકી તો કેટલાય એવા પણ છે જેને ક્યારેય તેના વિસ્તારની પ્રજાએ જોયા પણ નથી કે આ ભાઈ કે બેન કોર્પોરેટર છે…!! એવી જ સ્થિતિ જીલ્લા પંચાયતમાં પણ છે, હા જો કે અપવાદ કેટલાક એવા પણ જનપ્રતિનિધિઓ છે જેવોએ પોતાની ફરજ સુપેરે નિભાવી છે.
માનવામાં આવી રહ્યું છે કે આગામી જાન્યુઆરી મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજવાની છે. જેમાં જામનગર શહેરમાંથી સતાપક્ષના કેટલાય કોર્પોરેટરોની આ છેલ્લી ટર્મ હોય તો પણ નવાઈ નહિ એટલે કે રિપીટ નહીં કરવામાં આવે તેવી આંતરિક ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક કોર્પોરેટરોની નિષ્ક્રિય કામગીરીને જોતા પક્ષ ફરીથી તેમને ટિકિટ નહીં આપે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, તો કેટલાય મહિલા કોપોરેટરોની નિષ્ક્રિયતા અને પતિદેવોની “ખાસ સક્રિયતા” નું લોકોએ આંકલન પણ કરી લીધું છે.
જો કે ચૂંટણીઓમાં જ્ઞાતિઆધારિત પરિબળો અને ક્યા કોર્પોરેટર કે કાર્યકર કે આગેવાન કેવા મજબુત નેતાઓનું પીઠબળ ધરાવે છે તે પણ ટીકીટોની વહેચણી સમયે મહત્વનો ભાગ ભજવતું હોય છે જે સર્વવિદિત છે, હવે નવું રોટેશન આવશે કે કેમ..? તે ઉપરાંત પાંચ વર્ષ સાવ નિષ્ક્રિય રહેલ હવે ઊંઘમાંથી આળસ મરડીને દોડવા લાગ્યા છે, એવું ત્યારે લાગે જયારે પાછલા ચાર વર્ષ દિવાળીની શુભેચ્છાઓ ભલે મતદારોને ના આપી હોય પણ આ વર્ષે ચુંટણી નજીક ભાષી રહેલા કેટલાક કોર્પોરેટરોએ તેમના વિસ્તારોના મતદારોના નંબરો શોધી શોધીને નવા વર્ષના રામ…રામ કર્યા છે અને અમારું ધ્યાન રાખજો તેવું પણ હળવેથી કહ્યું છે.


