લાંચના નાણાં સૌને પસંદ હોય છે-પુરૂષ હોય કે મહિલા. અને, સૌ જાણે છે કે, ગુજરાતમાં ઘણાં સરકારી મહિલા અધિકારીઓ અને મહિલા કર્મચારીઓ હવે આ બાબતમાં પણ પુરૂષ ‘સમોવડી’ છે. આવો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. એક ઉચ્ચ મહિલા પોલીસ અધિકારીનું નામ લાંચકાંડમાં ગાજયું.
લાંચ રૂશવત વિરોધી શાખા ACBએ 20મી ઓગસ્ટે એક છટકું ગોઠવ્યું. ACB ઈચ્છતું હતું કે, તાપી વ્યારામાં SC-ST સેલમાં DySP તરીકે નોકરી કરતાં નિકિતા શિરોયા અને તેનો હેડ કોન્સ્ટેબલ ઉર્ફે રાઈટર નરેન્દ્ર ગામીત લાંચના છટકામાં ઝડપાઈ જાય. પણ આ શક્ય ન બન્યું કારણ કે લાંચના નાણાં લેવા ખાનગી કારમાં ગયેલા નરેન્દ્ર ગામીતને છેલ્લી ઘડીએ શંકા ગઇ કે, આજુબાજુમાં ક્યાંક ACBની હિલચાલ ચાલી રહી છે આથી તે લાંચના રૂ. દોઢ લાખ લીધા વિના કારમાં ભાગી છૂટ્યો.
આ છટકા દરમ્યાન ફરિયાદીએ ACBને વિગતો આપી હતી કે, DySP નિકિતા શિરોયાએ લાંચની માંગ કરી છે અને હેડ કોન્સ્ટેબલ લાંચના નાણાં લેવા આવશે. આ ફરિયાદી વિરુદ્ધ કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ છે. આ મામલામાં તેની અને તેના પરિવારજનોની ધરપકડ ન થાય અને હેરાનગતિ ટળી શકે તે માટે મહિલા DySP અને આ હેડ કોન્સ્ટેબલ દ્વારા રૂ. 4 લાખની લાંચની માંગ કરવામાં આવેલી અને બાદમાં રકઝકના અંતે દોઢ લાખમાં વાત ખીલે બંધાણી છે, એવી વિગતો આ ફરિયાદીએ ACBમાં આપી હતી તે પછી ઉપરોકત છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ છટકું જો કે સફળ ન રહ્યું પરંતુ ACBએ મહિલા DySP અને રાઈટર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ આરંભી છે. મહિલા DySP અને આ હેડ કોન્સ્ટેબલ હાલ ફરાર હોવાની માહિતીઓ જાહેર થઈ છે. આ મામલાએ તાપી વ્યારા સહિત સમગ્ર રાજ્યમાં પોલીસવર્તુળમાં ચકચાર મચાવી છે.