Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આ વર્ષે પણ ભારે વરસાદ વરસ્યો છે. ખંભાળિયા તાલુકામાં ચોમાસાના પ્રારંભે જ નોંધપાત્ર વરસાદના કારણે શહેરને પાણી પૂરું પાડતો ઘી ડેમ તથા નજીકમાં આવેલો મહત્વનો એવો સિંહણ ડેમ ઓવરફલો થઈ ગયા હતા. એટલું જ નહીં તમામ જળાશયો પણ ચોમાસાના મધ્યભાગમાં જ મોટાભાગે છલકાઈ ગયા હતા, હાલની પરિસ્થિતિમાં તમામ જળસ્ત્રોતો તરબતર થઈ અને નદી- નાળા બે કાંઠે વહી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ગત સપ્તાહથી અવિરત વરસાદી ઝાપટાનો દૌર ચાલુ રહ્યો છે. આ વચ્ચે ખંભાળિયા તાલુકામાં રેકોર્ડરૂપ મનાતા આજ સુધી 85 ઈંચ સુધીના 292 ટકા વરસી ગયેલા વરસાદના કારણે તાલુકામાં હવે વ્યાપક નુકસાની થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
ખાસ કરીને નદીના વહેણ નજીકના ખેતરો તથા ડૂબના ભાગમાં આવતા વાડી- ખેતરોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. હાલના વરસાદના કારણે ખંભાળિયા- દ્વારકા હાઇવે પરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા મગફળી તથા કપાસના પાકને નુકશાની તથા કેટલાક ખેતરોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ પણ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં હવે ધરતીપુત્રો મેઘ વિરામની પ્રાર્થના કરી રહ્યા છે. જો કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં માફકસર અને જરૂરિયાત મુજબનો વરસાદ વરસતાં પાકને ફાયદો થાય અને આગામી વર્ષ માટે પાણીની સમસ્યા પણ સંપૂર્ણપણે હાલ થઈ જતા ધરતીપુત્રો તથા જિલ્લાની જનતાએ આનંદની લાગણી વ્યક્ત કરી છે.