Mysamachar.in-જામનગર:
મોબાઈલ નામનું સાધન ‘યમદૂત’ બની રહ્યું છે. ખાસ કરીને જેમની ઉંમર કાચી છે અથવા જેમનો મગજ પૂર્ણ રીતે વિકસિત નથી- એવા અસંખ્ય લોકો માટે મોબાઈલ ઉપાધિઓ પેદાં કરનારી ચીજ સાબિત થઈ રહ્યો છે. જામનગર પંથકમાં વીતેલાં એક જ સપ્તાહમાં 10-15 વર્ષ આસપાસની કાચી વયની બે બાળાઓએ મોબાઈલને કારણે જિંદગીઓ ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં શોક સાથે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને વધુ એક વખત મોબાઈલ યમદૂત સાબિત થયા.
તાજો કિસ્સો જામનગરના હાપા વિસ્તારનો છે. આ વિસ્તારની દિક્ષીતા રમેશભાઈ સોયગામા નામની 15 વર્ષની એક છાત્રા સ્કૂલમાં હતી ત્યારે, તેની સ્કૂલબેગમાંથી શાળા સત્તાવાળાઓએ મોબાઈલ શોધી કાઢ્યો. આ મોબાઈલ શિક્ષકના હાથમાં આવી જતાં, મોબાઈલ અંગે પોતાના માતાપિતા અને દાદીને જાણ ન કરવા સંબંધે આ છાત્રાએ શિક્ષકને હાથ જોડીને વિનંતી કરી હતી.
ત્યારબાદના સમયમાં આ છાત્રા સતત ગૂમસૂમ રહેતી હતી. તે દરમિયાન શનિવારે સાંજે આ છાત્રાએ પોતાના ઘરની ઓશરીમાં એક એંગલમાં સાડી બાંધી તેના વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો. પોલીસ આ બનાવની તપાસ ચલાવી રહી છે. આ બનાવને કારણે હાપા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ સપ્તાહમાં જ આવો અન્ય એક બનાવ શહેર નજીકના દરેડમાં બન્યો હતો. એક પરણિતાએ પોતાની નાની બહેનને જોવા માટે મોબાઈલ આપવા ના પાડી હતી. એમ કહેલું કે, પછી આપશે. આ બનાવમાં એમ જાહેર થયેલું કે, આથી 11 વર્ષની આ બાળાને માઠું લાગી આવ્યું હતું અને તેણીએ ગળાફાંસો ખાઈ જીવ આપી દીધો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, પુખ્ત વયની વ્યક્તિ હોય કે બાળકો હોય- મોબાઈલનું દૂષણ હદો વટાવી ચૂક્યુ છે. અનેક પ્રકારના ગુનાઓ, છેતરપિંડીઓ અને આપઘાત સહિતના ચિંતાપ્રેરક બનાવો મોબાઈલને કારણે વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કુમળી વયના બાળકો અને ઓછી સમજણ ધરાવતાં પુખ્ત લોકો- મોબાઈલને કારણે અનેક જાતની મુશ્કેલીઓમાં ફસાઈ રહ્યા છે. આવા ઘણાં કિસ્સાઓમાં આવા અનેક લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે. આ એક ચિંતાજનક સ્થિતિ લેખાવી શકાય.(પ્રતિકાત્મક તસ્વીર)