Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
સફાઈનો પ્રશ્ન આમ તો નાના ગામથી લઈને મોટા શહેરો સુધી છે, પણ તેનો હલ કરવાની જવાબદારી જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હોય છે, પણ જો કઈક કરવાની ઈચ્છાશક્તિ હોય તો થઇ શકે તેવું ખંભાળિયા નગરપાલિકાએ પ્રયોગ શરુ કર્યો છે, જો કે કેટલો સફળ તેના પરિણામો આવવાના બાકી છે… ખંભાળિયા નગરપાલિકાના સતાધીશોએ શહેરમાં ગંદકી તથા સફાઈના પ્રશ્નને પ્રાધાન્ય આપીને સફાઈ ઝુંબેશ શરુ કરવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ નિર્ધારિત કર્યો છે. ખંભાળીયામાં કોઈપણ વ્યક્તિ કોઈપણ વિસ્તારમાં પોતાના મોબાઈલ પર ગંદકીનો ફોટો પાડીને મોકલી આપશે તો માત્ર 24 કલાકમાં જ એ પ્રશ્રનો નિવેડો આવી જાય એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પરિણામે હવે ખંભાળિયામાં ગંદકીની સમસ્યા માત્ર મોબાઈલ સ્કિનના ટચથી જ દુર થઈ જશે એમ પણ કહી શકાય. ખંભાળિયા પાલિકા ચીફ ઓફિસર અતુલ સિંહાના માર્ગદર્શન અને હોદ્દેદારોના સૂચનો મુજબ દરેક વોર્ડમાં મુકાદમો રાખવામાં આવ્યા છે. તેમના વોટ્સએપ નંબરો પર ગંદકી, ગટર, સફાઈનો પ્રશ્ન હોય તો સ્થળનું નામ ફોટો તથા વ્યક્તિએ પોતાનું નામ લખીને વોટ્સઅપ કરવાથી 24 કલાકમાં પ્રશ્ન હલ થઈ જાય તેવી વ્યવસ્થા કરાઈ છે. તેના અલગ અલગ નંબરો જાહેર કરવામાં આવ્યા છે, આ ઉપરાંત, જો વાહન નિયમિત કચરો ના ઉપાડે તો 8980443200 પર જણાવવા પણ જાણ કરવામાં આવી છે.