Mysamachar.in:જામનગર
જામનગર, ભાવનગર અને રાજકોટમાં આજે સેન્સનો દિવસ છે. સેન્સની આપ-લે થશે. ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણ મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે પોતાના પદાધિકારીઓની પસંદગીઓ માટે આજે સેન્સ લેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શાસકપક્ષ દ્વારા કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની આ સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી ત્રણ ત્રણ નિરીક્ષકો મોકલવામાં આવ્યા છે. કોર્પોરેશન માટેની સેન્સ પ્રક્રિયા શહેર બીજેપી કાર્યાલય ખાતે અને જિલ્લા પંચાયત માટેની સેન્સ પ્રક્રિયા જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે અત્યારે ચાલુ છે. આ પ્રક્રિયા આજે આખો દિવસ ચાલશે એમ માનવામાં આવે છે.
શહેર બીજેપી કાર્યાલય ખાતે નિરીક્ષકો મહેન્દ્ર પનોત,અમોહ શાહ અને રક્ષાબેન બોરિયા સંબંધિત આગેવાનો દાવેદારો સાથે વ્યક્તિગત વાતચીત કરી રહ્યા છે. જામનગરની જાણકારીઓ મેળવી રહ્યા છે. આગામી વર્ષ લોકસભા ચૂંટણીઓનું હોવાથી નિરીક્ષકોને પ્રદેશમાંથી વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે અને તેઓ પણ આ સૂચનાઓને ધ્યાનમાં લઈ પક્ષનાં સાંસદ, ધારાસભ્યો, હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો અને દાવેદારો સાથે સર્વગ્રાહી રીતે વાતચીત કરી રહ્યા છે.
જામનગરમાં મેયરપદ અનામત હોય, હાલ માત્ર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદ માટે જ સ્પર્ધાત્મક વાતાવરણ જોવા મળે છે. બાકીનાં પદોનું આમેય ખાસ કોઈ મહત્વ ન હોય, સ્પર્ધા પણ નથી. ચેરમેનની ખુરશી એક જ હોય છે અને સૌને આ ‘હોટસીટ’ પર બિરાજવું હોય છે. કૌન બનેગા કરોડપતિ ? શો ની માફક આ હોટસીટ પર સૌની નજર છે. પરંતુ ચેરમેન બનવું આસાન બાબત નથી. ચેરમેન બન્યા પહેલાં અને પછી પણ અનેક કોઠાઓ વીંધતા રહેવું પડે છે. અંદાજે દોઢેક ડઝન કોર્પોરેટર આ પદ માટે દોડી રહ્યા છે. પરંતુ જ્ઞાતિ અને જૂથ સહિતના વિવિધ ફેકટરને ધ્યાનમાં લેવાતા હોય, આ પસંદગી જટિલ હોય છે. ઘણાંની મનની મનમાં રહી જતી હોય છે. કારણ કે આ નિરીક્ષકો રિપોર્ટ અને દરેક પદ માટે ત્રણ ત્રણ નામોની પેનલ પ્રદેશમાં આપશે પછી આખરી મહોર તો ઉપરથી જ લાગશે. તેમાં પણ ઘણી વખત એવું બનતું હોય છે કે પેનલનાં બધાં જ નામો સાઈડમાં મૂકી નવા પ્રકારનો દાવ રમવામાં આવે !
જિલ્લા પંચાયતમાં પણ કોર્પોરેશન જેવું જ છે. પ્રમુખપદ ST મહિલા અનામત હોવાથી ત્યાં પણ કારોબારી ચેરમેનપદ માટે બરાબર જામી છે. અને ઉપપ્રમુખપદ માટે તથા સમિતિઓ અંકે કરવા તીવ્ર લડાઈ ચાલી રહી છે. જિલ્લાકક્ષાએ પ્રતિભાશાળી નેતાઓની તંગી નિરીક્ષકોનું કામ અઘરું બનાવી નાંખતી હોય છે. સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી પૂર્વ પ્રભારી મંત્રી બ્રિજેશ મેરજા, ગોવિંદભાઈ પટેલ અને વંદનાબેન મકવાણાને પ્રદેશ નિરીક્ષકો તરીકે જવાબદારીઓ સોંપવામાં આવી છે. કોર્પોરેશન માફક જ જિલ્લા પંચાયતમાં પણ પાછલાં અઢી વર્ષ દરમિયાન સતાધારી પક્ષ ખાસ કોઈ ચમક દેખાડી શકયો નથી તેથી લોકસભા ચૂંટણીઓ કવર કરતી આગામી ટર્મ માટે પાર્ટી ઝીણું કાંતશે, એમ સમજાઈ રહ્યું છે.