Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત રાજયભરની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક(HTAT)નો મામલો લાંબા સમય સુધી ચર્ચાઓમાં રહ્યા બાદ, હવે નોંધપાત્ર બાબત એ રહી કે, આ માટે સરકાર દ્વારા બદલીઓ સહિતના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ વર્ષ 2019માં મુખ્ય શિક્ષકો માટેના સરકારના નિયમો વડી અદાલતે રદ્દ કર્યા હતાં. ત્યારથી આ મામલો ચર્ચાઓમાં રહ્યો હતો. બાદમાં, તાજેતરમાં વધુ એક વખત આ HTAT પાસ ઉમેદવારોએ ગાંધીનગર ખાતે આંદોલન પણ કર્યું હતું. તે પછીના ઘટનાક્રમમાં હવે નવા નિયમો પણ જાહેર થઈ ગયા છે.
સરકારે કરેલી જાહેરાત કહે છે: બાલવાટિકાથી ધોરણ પાંચ સુધીની શાળાઓમાં 150 કે તેથી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર, ધોરણ 6 થી 8 માં 100 કે તેથી વધુ સંખ્યા હોય, ત્યાં એક મુખ્ય શિક્ષક અને બાલવાટિકાથી ધોરણ 8માં 150 કે તેથી વધુ સંખ્યા હોય, ત્યાં એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય. આ ઉપરાંત જિલ્લાની આંતરિક બદલીઓ, જિલ્લાફેર બદલીઓ, તબીબી કિસ્સાઓની બદલીઓ અને અરસપરસ બદલીઓ વગેરે માટે વિસ્તૃત રીતે જાણકારીઓ જાહેર કરવામાં આવી છે. જે આ પ્રમાણે છે.
આંતરિક બદલીઓમાં 3 વર્ષની નોકરી પૂર્ણ થઈ હોવી જોઈએ, જિલ્લાફેરમાં 5 વર્ષની નોકરી, મુખ્ય શિક્ષકનું મહેકમ દર વર્ષે નક્કી, સંબંધિત શાળામાં મહેકમ ન જળવાતું હોય તે માટેના પેટા નિયમો અને જિલ્લાફેર તથા આંતરિક અરસપરસ બદલીઓ વગેરે માટેના નિયમો જાહેર થયા છે જેને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવકારવામાં આવ્યા છે, ભૂતકાળમાં સંઘે આ અંગે રજૂઆતો પણ કરેલી હતી.(file image source google)