Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા વિસ્તારોમાં આવેલાં કારખાનેદારોએ કોર્પોરેશનમાં કારખાના લાયસન્સ ફી ભરવાની હોય છે, આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની મિલકતના ભાડૂઆતોએ ભોં ભાડુ ભરવાનું હોય છે. આ વિભાગોમાં આશરે રૂ. પાંચ કરોડ જેટલી વસૂલાતો બાકી છે, વ્યાજની રકમ પણ એટલી જ ચડી ગઈ છે. આથી સંબંધિતોને રાહત આપવા મહાનગરપાલિકાએ ભોં ભાડામાં 25 ટકા પેનલ્ટી માફની યોજના અમલી બનાવી છે. અને કારખાના લાયસન્સ ફી માં 18 ટકા પેનલ્ટી માફ છે. આમ છતાં આ હજારો ધંધાર્થીઓ આ યોજના પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.
આ ધંધાર્થીઓ મહાનગરપાલિકામાં બાકી નાણાં જમા કરાવી રહ્યા નથી. સૂત્રના જણાવ્યા અનુસાર, આ સંબંધે જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા દોઢેક માસમાં એક પણ ધંધાર્થીએ, એક પણ રૂપિયો જમા કરાવ્યો નથી. ખરેખર તો ધંધાર્થીઓએ કોર્પોરેશનની આ માફી યોજનાનો લાભ લઈ બાકી નાણાં ભરી દેવા જોઈએ. ભવિષ્યમાં કડક વસૂલાત થશે ત્યારે, આ જ ધંધાર્થીઓ ખોટેખોટી રાડો પાડશે. બીજી તરફ એસ્ટેટ વિભાગે પણ આવા આસામીઓ જે સમયસર ફી ના ભારે તો તેની સામે કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ પણ તેવું હજુ સુધી એસ્ટેટ વિભાગે કર્યું નથી.