Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સાસણગીરના સિંહ સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે અને લાખો લોકો સિંહદર્શન માટે ગીરની મુલાકાત લ્યે છે, આ જ રીતે હવે સરકારે સિંહોના બીજા ‘ઘર’ તરીકે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓની સરહદે આવેલા બરડા ડુંગરના વિસ્તારોમાં પણ સિંહોનો વસવાટ શરૂ કરાવ્યો. પરંતુ હજુ તો આ પ્રયોગ પ્રાથમિક તબક્કામાં છે ત્યાં જ, કેટલાંક તત્ત્વો દ્વારા ગીર માફક અહીં બરડામાં પણ સિંહોની પજવણી શરૂ થઈ ગઈ. આ પ્રકારનો એક વીડિયો વાયરલ થતાં વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
બરડા ડુંગરના સાત વીરડા નેસ વિસ્તારમાં સિંહ અને સિંહણોને રાખવામાં આવ્યા છે. આ પ્રાણીઓને એન્કલોઝરમાં રાખવામાં આવ્યા છે. ત્યાં એક શખ્સ દ્વારા સિંહ સિંહણની પજવણી કરવામાં આવતી હોય, એ પ્રકારનો એક વીડિયો વાયરલ થયો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કોઈ શખ્સ લોખંડનો ઘોડો પાંજરા સાથે અથડાવી રહ્યો છે.

વીડિયોમાં દેખાઈ છે કે, એક શખ્સ સિંહણને ઉશ્કેરણી કરે છે, અન્ય એક શખ્સ આ દ્રશ્યોનું મોબાઈલ શૂટિંગ કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સાત વીરડા નેસ નામના આ વિસ્તારમાં સામાન્ય માણસો જઈ શકતા નથી, ઉપરાંત અહીં મોબાઈલ પર પણ પ્રતિબંધ છે. તો આ વીડિયો બન્યો કેવી રીતે ?! આ અંગે વનવિભાગે ઉંડાણથી તપાસ શરૂ કરી છે.
પોરબંદર વનવિભાગના DCF લોકેશ ભારદ્વાજ કહે છે: અમો તપાસ કરી રહ્યા છીએ. અહીં સામાન્ય માણસ જઈ શકતા નથી. હાલમાં ત્યાં રંગરોગાન કામગીરીઓ ચાલે છે અને શ્રમિકો સહિત સૌ પર ત્યાં મોબાઈલ લઈને જવું પ્રતિબંધિત છે. આમ છતાં, આ વીડિયો કેવી રીતે શૂટ થયો, કોણે શૂટિંગ કર્યું ? વગેરે તપાસ ચાલી રહી છે. કસૂરવારો વિરુદ્ધ વનવિભાગના કાયદા અનુસાર પગલાંઓ લેવામાં આવશે.