Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
એસ્સાર પાવર કંપની દ્વારા મોટા માંઢા ગામ અને આસપાસના વિસ્તારોમાં બેફામ હવા અને પાણી પ્રદુષણ સર્જાય રહ્યુ છે, આ અંગે એસ્સાર પાવર કંપની દ્વારા મોટા માંઢા ગામની પુર્વ દિશામાં વિશાળ પ્રકારે ખુલ્લી જગ્યામાં ઠાલવામાં આવતી પ્રદુષીત કોલસીના ઢગલાઓ દર શિયાળા અને ઉનાળા દરમિયાન પવનના કારણે ચારે તરફ ઉડવા પામે છે, જે કોલસી દર ચોમાસા દરમિયાન પલળીને કુદરતી નદી-નાળા મારફત પાણીમાં બેફામ પ્રદુષણ સર્જે છે આ અંગે અગાઉ અનેક રજૂઆતો પણ કરવામાં આવેલ છે તેમ છતાં આ કંપનીના જવાબદારો મની અને મસ્લ્સ પાવનાર જોરે રજૂઆતોને નજર અંદાજ કરી રહ્યા છે,. કંપનીને ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા પણ નોટીસો પાઠવવામાં આવેલ છે તદ ઉપરાંત અગાઉ સી.આર.પી.સી. 133 મુજબ કેસ દાખલ કરી નોટીસ પણ પાઠવવામાં આવેલ છે,
એસ્સાર પાવર કંપની દ્વારા પ્રદુષણ ધારાના ખુલ્લેઆમ ઉલ્લંઘનો થઇ રહ્યા હોય તેમજ સીઆરપીસી 133ની નોટીસ તેમજ હુકમોનું પણ અનાદર થઇ રહ્યો હોય જીપીસીબી દ્વારા વારંવાર નોટીસો પાઠવવામાં આવતી હોય તેમ છતાં આ કંપનીની તાનાશાહી અને સરમુખ્ત્યાર શાહીથી મોટા માંઢા ગામના નાગરીકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે કંપનીના હવા અને પાણી પ્રદુષણ થી લોકોના જાહેર આરોગ્ય અને સ્વાસ્થ્ય ઉપર તથા પર્યાવરણ ઉપર ભયંકર જોખમ તોડાઈ રહ્યુ છે ત્યારે કંપની સામે સી.આર.પી.સી. 133 મુજબ ની કાર્યવાહી કરવામાં આવે અને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆતો થઇ છે.