Mysamachar.in:જામનગર
સામાન્ય રીતે એવું જાણવા મળતું હોય છે કે, ખાનગી પાવર પ્લાન્ટ સસ્તી વીજળી પેદા કરી, મોંઘા ભાવે વેચતા હોય છે. સરકાર મોંઘા ભાવે વીજળી ખરીદે છે એવા સમાચારો આવતાં રહે છે. હવે એવો રિપોર્ટ આવ્યો છે કે, સરકારી પાવર પ્લાન્ટ (જામનગર નજીક સિક્કા) માં ઉત્પાદિત વીજળી મોંઘી પડી રહી છે. કોલસા આધારિત વીજળી પેદા કરતાં સરકાર હસ્તકનાં પાવર પ્લાન્ટ પૈકીનાં સિક્કા પાવર પ્લાન્ટ ખાતે ઉત્પાદિત વીજળી, ખાનગી પાવર પ્લાન્ટ ખાતે ઉત્પાદિત વીજળી કરતાં, પ્રતિ યુનિટ લગભગ 54 ટકા જેટલો વધુ ઉત્પાદન ખર્ચ ધરાવે છે ! આ અંગેની ફરિયાદ અરજી જર્ક સમક્ષ થવા પામી છે.
ઉર્જા ક્ષેત્રનાં નિષ્ણાત કે.કે.બજાજ એ આ ફરિયાદ અરજીમાં એમ જણાવ્યું છે કે, આ ઉત્પાદન ખર્ચનો બોજ રાજ્યનાં નાગરિકો પર પડે છે. આ ખર્ચ ઘટવો જોઈએ. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં આયાતી કોલસા આધારિત ચાર પાવર પ્લાન્ટ છે. જે પૈકી ત્રણ પ્લાન્ટ ખાનગી કંપનીઓ ધરાવે છે. એક પ્લાન્ટ, જામનગર નજીક સિક્કાનો પ્લાન્ટ, સરકારી છે. જે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી લિ. હસ્તક છે.
બજાજે ફરિયાદમાં જણાવ્યું છે કે, આ ચારેય પ્લાન્ટમાં ઉત્પાદન ખર્ચ લગભગ એકસરખો રહેવો જોઈએ. જેની સામે સરકારી પ્લાન્ટમાં ઉત્પાદિત વીજળી મોંઘી પડી રહી છે. ટાટાના પ્લાન્ટનો ઉત્પાદન ખર્ચ પ્રતિ યુનિટ રૂ.5.64 છે. એસ્સાર પાવરનો ઉત્પાદન ખર્ચ રૂ.6.39 છે. જ્યારે અદાણીનો ઉત્પાદન ખર્ચ પ્રતિ યુનિટ રૂ.6.85 છે. તેની સરખામણીમાં સિક્કા પાવર પ્લાન્ટનો પ્રતિ યુનિટ ઉત્પાદન ખર્ચ રૂ.8.68 છે, જે અંગે જર્ક સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આયાતી કોલસાની સરખામણીએ ભારતીય કોલસો સસ્તો છે. સરકારનાં આ પ્લાન્ટમાં ભારતીય કોલસાનો ઉપયોગ કરવો જોઈએ. ભારતીય કોલસાનો ભાવ પ્રતિ ટન રૂ.5,200-5,800 છે. જ્યારે આયાતી કોલસાનો ભાવ રૂ.16,000-18,000 છે.